સેવા તીર્થ નામ રાખવાનું કારણ જણાવતાં વડાપ્રધાન : ગુલામીની માનસિકતામાંથી આઝાદીનો ઐતિહાસિક દિવસ
નવીદિલ્હી,તા.13:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સેવા તીર્થ પરિસરનું ઉદ્ઘાટન કર્યું. જેમાં નવું પ્રધાનમંત્રી
કાર્યાલય (પીએમઓ), રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલયનો સમાવેશ થાય
છે, જે હવે કર્તવ્ય ભવન-1 અને કર્તવ્ય ભવન-2 તરીકે ઓળખાશે. ઉદ્ઘાટન બાદ સમારોહને સંબોધતા
તેમણે કહ્યું હતું કે, આજે આપણે સૌ એક નવા ઇતિહાસને સર્જાતો જોઈ રહ્યા છીએ. આ દિવસ
ભારતની વિકાસ યાત્રામાં નવા પ્રારંભનો સાક્ષી બની રહ્યો છે. શાસ્ત્રોમાં વિજય એકાદશીનું
વિશેષ મહત્વ રહ્યું છે. આ દિવસે જે સંકલ્પ લઈને આગળ વધીએ, તેમાં વિજય નિશ્ચિત મળે છે.
આજે આપણે વિકસિત ભારતનો સંકલ્પ લઈને સેવા તીર્થ અને કર્તવ્ય ભવનમાં પ્રવેશ કરી રહ્યા
છીએ. પોતાના લક્ષ્યોમાં વિજય મેળવવા માટે દૈવી આશીર્વાદ આપણા સાથે છે.
મોદીએ
આગળ કહ્યું કે સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક જેવી ઇમારતો બ્રિટિશ શાસનની વિચારસરણીને
અમલમાં મૂકવા માટે બનાવવામાં આવી હતી, જ્યારે આજે સેવા તીર્થ અને કર્તવ્ય ભવન જેવા
પરિસરો ભારતની જનતાની આશાઓને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવ્યા છે. અહીંથી લેવાતા નિર્ણયો
કોઈ મહારાજાની વિચારસરણી પર આધારિત નહીં હોય, પરંતુ 140 કરોડ દેશવાસીઓની અપેક્ષાઓને
આગળ વધારવાના આધાર બનશે.
પીએમ
મોદીએ જણાવ્યું કે સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક જેવી જૂની ઇમારતોમાં જગ્યા અને સુવિધાઓની
મર્યાદાઓ હતી. લગભગ 100 વર્ષ જૂની આ ઇમારતો અંદરથી જર્જરિત થઈ રહી હતી. વિકસિત ભારતની
યાત્રામાં ગુલામીની માનસિકતાથી મુક્ત થવું જરૂરી છે. દુર્ભાગ્ય છે કે સ્વતંત્રતા પછી
પણ ગુલામીના પ્રતિકો વહન કરવામાં આવતા રહ્યાં હતાં.તેમણે કહ્યું કે અમારા નિર્ણયોના
પાછળ ઊંડી દૃષ્ટિ છે, જે આપણા વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યને ભારતના ગૌરવ સાથે જોડે
છે. જે સ્થળ પહેલાં રાજપથ તરીકે ઓળખાતું હતું, અમે તેને કર્તવ્ય પથ તરીકે વિકસાવ્યું.
સેવા તીર્થ માત્ર નામ નથી, તે એક નાગરિકોની સેવાનો સંકલ્પ છે. આ ઇમારત આપણને સતત યાદ
કરાવશે કે શાસનનો અર્થ સેવા છે અને જવાબદારીનો અર્થ સમર્પણ છે.
તેમણે
વધુમાં જણાવ્યું કે અમે ગુલામીની માનસિકતા બદલવાનું અભિયાન શરૂ કર્યુ. વીર સૈનિકોના
સન્માનમાં નેશનલ વોર મેમોરિયલ બનાવ્યું, પોલીસ સ્મારક બનાવ્યું અને રેસકોર્સ રોડનું
નામ બદલીને લોક કલ્યાણ માર્ગ રાખ્યું. આ માત્ર નામ બદલવાનો નિર્ણય નહોતો, પરંતુ સત્તાના
સ્વભાવને સેવા ભાવનામાં પરિવર્તિત કરવાનો પવિત્ર પ્રયાસ હતો.
પીએમ
મોદીએ કહ્યું કે અમે અહીં અધિકાર બતાવવા નથી આવ્યા, પરંતુ જવાબદારી નિભાવવા આવ્યા છીએ.
જ્યારે શાસન સેવાભાવથી ચાલે છે, ત્યારે પરિણામો અસાધારણ હોય છે. અંતમાં પીએમ મોદીએ મહાત્મા ગાંધીની ભાવનાનો ઉલ્લેખ
કરીને કહ્યું કે કર્તવ્યનાં પાયા ઉપર જ અધિકારની ભવ્ય ઇમારત ઊભી થાય છે. જ્યારે આપણે
પોતાનું કર્તવ્ય નિભાવીએ છીએ, ત્યારે મોટીથી મોટી પડકારોનો સામનો કરી તેને હલ કરી શકીએ
છીએ. આપણા બંધારણ નિર્માતાઓએ પણ કર્તવ્ય પર વિશેષ ભાર મૂક્યો છે. કરોડો દેશવાસીઓના
સપનાઓ સાકાર કરવાનો આધાર કર્તવ્ય જ છે.
પીએમ
મોદીએ કર્યું ‘સેવા તીર્થ’નું ઉદ્ઘાટન
નવા
પીએમઓ પરિસરમાંથી મહિલા, યુવા અને કિસાનો માટે કર્યા મહત્ત્વના નિર્ણય ઉપર હસ્તાક્ષર
નવી
દિલ્હી, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીમાં સેવા તીર્થ પરિસરનું
ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં વડાપ્રધાન કાર્યાલય, કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા
પરિષદ સચિવાલય સ્થિત છે. સેવા તીર્થ પરિસરની દિવાલ ઉપર નાગરીક દેવો ભવનું આદર્શ વાક્ય
અંકિત કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે નવી ઈમારતો
ભારતના પ્રશાસનિક શાસન સંરચનાને બતાવે છે. નવી ઈમારતમાં પીએમ મોદીએ મહિલાઓ, યુવાનો
અને ખેડૂતો માટે મહત્ત્વના નિર્ણયો ઉપર હસ્તાક્ષર પણ કર્યા હતા.
આ પહેલા
વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા સચિવાલય અને કેબિનેટ સચિવાયલય અલગ અલગ સ્થાને
હતા. સેવા તીર્થનું ઉદ્ઘાટન પીએમ મોદીએ 13 ફેબ્રુઆરીના રોજ કર્યું છે. હકીકતમાં આ તારીખનું
પણ ઐતિહાસિક મહત્ત્વ છે. 13 ફેબ્રુઆરી 1931ના નવી દિલ્હી ઔપચારિક રીતે ભારતની રાજધાની
બની હતી. આ તારીખ ઉદ્ઘાટનના 95 વર્ષને દર્શાવે છે.
પીએમ
મોદીએ નવા પીએમઓ પરિસર સેવા તીર્થમાં મહિલાઓ, યુવાનો અને સંવેદનશીલ નાગરિકો માટે મહત્ત્વપુર્ણ
નિર્ણયોની ફાઈલો ઉપર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં પીએમ રાહત યોજના, લખપતિ દીદીની સંખ્યા
વધારીને છ કરોડ કરવાના લક્ષ્ય સંબંધિત ફાઈલ સામેલ છે. પીએમ મોદીએ કૃષિ નિધિ બમણી કરીને
બે લાખ કરોડ રૂપિયા કરવા સંબંધિત ફાઈલ ઉપર પણ હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત 10,000
કરોડના ફંડ સાથે સ્ટાર્ટ અપ ઈન્ડિયા એફઓએફ 2.0ને મંજૂરી આપી હતી.