• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

26મીથી પરીક્ષા પર્વ : રાજ્યમાં ધો.10-12ના 15.27 લાખ વિદ્યાર્થી આપશે બોર્ડની કસોટી

પરીક્ષા કેન્દ્રો પર ‘ફર્સ્ટ એઇડ’ ટીમ સુનિશ્ચિત કરાશે, સંવેદનશીલ કેન્દ્રો પર મેટલ ડીટેક્ટર મુકાશે

અમદાવાદ, રાજકોટ, તા.12 : આગામી તારીખ ર6મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પર્વ શરૂ થશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજીત આ પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 15.27 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષા સુચારુ રીતે લેવાય તે માટે આજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, (જુઓ પાનું 10)

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે તા. 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026 સુધી યોજાશે. આ જ સમયગાળા દરમિયાન ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.19 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા તા. 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાશે. વધુમાં, રાજ્યના 1.35 લાખથી વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ ‘ગુજકેટ-2026’ની પરીક્ષા પણ આપશે. આમ, કુલ મળી 15.27 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે.

 આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12ના પરીક્ષાના પરિણામોના પૃથ્થકરણના આધારે વિશેષ તકેદારી રાખવા પાત્ર જિલ્લાઓ તેમજ કેન્દ્રોમાં વધુમાં વધુ ચોકસાઈપૂર્વક તૈયારીઓ રાખવી જોઈએ. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને ગભરાહટ અથવા અન્ય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રો પર ‘ફર્સ્ટ એઇડ’ ટીમ સુનિશ્ચિત કરવા પણ મંત્રીએ સૂચના આપી હતી. રાજ્યના સંવેદનશીલ જિલ્લાઓ અને કેન્દ્રો પર મેટલ ડિટેક્ટર મશીન મૂકવા પણ તેમણે તાકીદ કરી હતી, જેથી કોઈ વિદ્યાર્થી ભૂલથી મોબાઈલ કે સ્માર્ટવોચ જેવા ઉપકરણો લઈને આવે તો તેની જાણકારી મળી શકે.

5565 બિલ્ડીંગમાં ગોઠવાઈ વ્યવસ્થા

રાજ્યમાં આ પરીક્ષા 146 ઝોન, 1,701 કેન્દ્રો, 5,565 બિલ્ડિગ તેમજ 53,764 બ્લોકમાં યોજાશે. આ ઉપરાંત ગુજકેટ-2026ની પરીક્ષા 34 ઝોન, 34 કેન્દ્રો, 658 બિલ્ડિગ અને 6,803 બ્લોકમાં યોજાશે.

સૌરાષ્ટ્રમાં 3.74 લાખ પરીક્ષાર્થી

રાજકોટ જિલ્લાના 80248 સહિત સૌરાષ્ટ્રમાં ધોરણ 10 અને 12 ના 3,74,628 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે. જેમાં ધો.10માં 2,24,787, ધો.12 સામાન્ય પ્રવાહમાં 1,23,011 અને વિજ્ઞાન પ્રવાહમાં 26830 વિદ્યાર્થીઓ છે. જેમાં એક્સપર્ટના કહેવા પ્રમાણે નવી શિક્ષણ નીતિ મુજબ 70% સબ્જેક્ટીવ અને 30% ઓબ્જેક્ટિવ પૂછવામાં આવશે. આ વખતે પણ બોર્ડના વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શનનો લાભ મળશે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક