• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

સોનગઢમાં દંપતીનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત

સોનગઢ પોલીસે મૃતક દંપતીના પુત્રના નિવેદનના આધારે અકસ્માતે મોતની નોંધ કરી  વધુ તપાસ હાથ ધરી

ભાવનગર, તા.12 : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે સોનગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ગુણવંતભાઈ મોહનભાઈ ડાભી (ઉં.વ.55) અને ગીતાબેન ગુણવંતભાઈ ડાભી (ઉં.વ.53)એ પોતાના ઘરની છતની હુક સાથે દોરડું બાંધી એક દોરડામાં બન્નેએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બાદ બન્નેના મૃતદેહને પીએમ માટે સિહોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સોનગઢ પોલીસે તપાસ કરતા મૃતક દંપતીને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હોય અને દીકરો આર્મીમાં નોકરી કરતો હતો. દીકરો વર્ષ દરમિયાન ત્રણ મહિના જેટલા સમય જ રજામાં ઘરે આવતો હોય અને તેને માતા-પિતાએ રજામાં રોકાઈ જવાનું કહેતા હોય અને આજે તેમના દીકરા કિશોરભાઈ કામ અર્થે ભાવનગર આવ્યા હતા અને પુત્ર વધુ પિયર ગઈ હતી ત્યારે  કોઈ અગમ્ય કારણોસર દંપતીએ આ પગલું ભર્યું હતું. આ અંગે સોનગઢ પોલીસે મૃતક દંપતીના પુત્રના નિવેદનના આધારે અકસ્માતે મોતની નોંધ કરી  વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક