(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.13 : ગુજરાતની ખાંડ
મિલોમાં શેરડીનું પીલાણ જોરશોરથી થઇ રહ્યું છે. ચાલુ વર્ષમાં શરૂ થયેલી કુલ બાર મિલો
પૈકી એક ઉકાઇ મિલ બંધ થઇ ચૂકી છે એ સિવાય બધે જ અત્યારે ધમધમાટ ચાલી રહ્યો છે.
ગુજરાત સ્ટેટ ફેડરેશન ઓફ કો ઓપરેટિવ
સુગર ફેક્ટરીઝમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે ગુજરાતમાં 4.17 લાખ ટન જેટલું ખાંડ ઉત્પાદન
જાન્યુઆરી અંત સુધીમાં થઇ ગયું છે. જે પાછલી સીઝનના કુલ ઉત્પાદનના 48 ટકા જેટલું છે.
આમ અર્ધી મોસમ પૂરી થઇ છે. ગયા વર્ષે એપ્રિલના બીજા-ત્રીજા સપ્તાહ સુધી પીલાણ ચાલુ
રહ્યું હતુ. આમ હજુ દોઢથી પોણા બે માસની મોસમ બાકી રહી છે. પાછલી મોસમમાં ખાંડનું કુલ
ઉત્પાદન 8.56 લાખ ટન રહ્યું હતુ.
શેરડીનું પીલાણ ચાલી રહેલી મોસમમાં
અત્યાર સુધીમાં 42.48 લાખ ટન કરવામાં આવ્યું છે, અગાઉની મોસમમાં કુલ પીલાણ 82.40 લાખ
ટન શેરડીનું થયું હતું.
આ વર્ષે નવેમ્બર મહિનાના બીજા
સપ્તાહથી બધી જ મિલો ચાલુ થઇ ગઇ હતી. એકમાત્ર મહિવા મિલે 26 ઓક્ટોબરથી પીલાણનો આરંભ
કર્યો હતો. બધી મિલો સમયસર જ ચાલુ થઇ છે. જોકે ચાલુ મોસમમાં ઉકાઇ મિલ વહેલી બંધ થઇ
ગઇ છે. 19 જાન્યુઆરીએ પીલાણનું કામકાજ આટોપી લેવામાં આવ્યું છે. મિલ 74 દિવસ સુધી લગાતાર
ચાલી હતી. જોકે અત્યારે એ સિવાયની બધી જ મિલોમાં ઉત્પાદન ચાલુ છે.
બારડોલી મિલે તેની ક્ષમતા સૌથી
વધુ હોવાને લીધે અત્યાર સુધીમાં 71,580 ટન ખાંડ બનાવી લીધી છે. બંધ થયેલી ઉકાઇ મિલે
5,505 ટન ખાંડ બનાવી છે. ગણદેવીમાં 41,065 ટન ઉત્પાદન થયું છે. મઢીની મિલની ક્ષમતા
7 હજાર ટનની છે. જ્યાં 51,345 ટન ઉત્પાદન થઇ ગયું છે.
ચાલી રહેલી મોસમમાં શેરડી રિકવરી
9.84 ટકાની રહી છે. જે ગઇ મોસમમાં સરેરાશ 9.27 ટન મળી હતી.
ભારતમાં ખાંડ ઉત્પાદનમાં ગુજરાતનો
હિસ્સો નોંધપાત્ર છે, મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્ર દ્વારા શેરડીનું પિલાણ
કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય સહકારી મંડળી ખાંડ ઉદ્યોગ સંઘ હેઠળ અગાઉ 17થી વધુ કાર્યરત
ખાંડ મંડળીઓ હતી. હવે સંખ્યા ઘટીને 12 થઇ ગઇ છે. 65,000 મેટ્રિક ટનથી વધુ દૈનિક પિલાણ
ક્ષમતા ધરાવી રહી હતી. જોકે કેટલીક મિલો બંધ થઇ જવાને લીધે હવે દૈનિક ક્ષમતા
58,300 ટન પ્રતિ દિવસ થઇ ચૂકી છે.