• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ઘઉંના બમ્પર ઉત્પાદનનો સંકેત, સોરઠમાં નવી આવકની શરૂઆત સરકાર નિકાસ છૂટ નહીં આપે તો ભાવ પાણી પાણી થઇ જશે

રાજકોટ, તા.12(ફૂલછાબ ન્યૂઝ) : ગુજરાતી થાળીનું અભિન્ન અંગ ગણાતા ઘઉંનું રેકોર્ડબ્રેક ઉત્પાદન ગુજરાત સહિત સમગ્ર દેશમાં થવાના સંકેત મળી રહ્યા છે. શિયાળો ઉતરી રહ્યો છે અને હવે ગરમીનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે ઘઉંના પાક પર સૌની નજર છે. નવા ઘઉંની આઠ દસ હજાર ગુણી માર્કેટ યાર્ડમાં આવવા લાગી છે, તેવા સમયે પાકના અનુમાન વહેતા થયાં છે. પાક અંગેના આરંભિક અંદાજો નોંધપાત્ર ઉંચા છે, એ કારણે ભાવ કાબૂમાં રહેવાનું નિશ્ચિત છે, કેટલા સસ્તાં થશે તે સરકારની નિકાસ નીતિ પર અવલંબિત રહેશે.

ગુજરાતમાં ઘઉંનું વાવેતર પાછલા વર્ષ કરતા 8 ટકા વધારે થતા 14.83 લાખ હેક્ટર સુધી પહોંચ્યું છે. સરકારી અંદાજ પ્રમાણે પાછલા વર્ષે 44-45 લાખ ટનનો પાક હતો. વાવેતરમાં 8 ટકા વૃદ્ધિ થઇ છે. હવામાનને લીધે હેક્ટર દીઠ ઉતારો વધે તો પાક સહેલાઇથી 48-49 લાખ ટન સુધી જવાની સંભાવના છે.

ભારતભરમાં આવી જ સ્થિતિ છે. ગયા વર્ષની તુલનાએ વાવેતર ચિક્કાર વધીને 334 લાખ હેક્ટર થયું છે. એ જોતા પાક અંદાજ 1200 લાખ ટન કે તેનાથી વધારે ધારવામાં આવી રહ્યો છે.

ઘઉંનો ભાવ માર્કેટ યાર્ડમાં મણ દીઠ રૂ.400-600ની રેન્જમાં ચાલે છે. નવી આવક અત્યારે સોરઠ પંથકમાં અને ગોંડલમાં કુલ મળીને દસેક હજાર ગુણી સુધી પહોંચી ચૂકી છે. માર્ચમાં આવક વધે ત્યારે ભાવ ઘટવાની પૂરી શક્યતા છે. વેપારીઓ કહે છે, ભરવાલાયક ઘઉંમાં રૂ. 50-75નો ભાવઘટાડો તોળાય છે. 

ઘઉંના ખેડૂતો કહે છેકે, વહેલા વાવેતરનો માલ તૈયાર છે અને મોડાં વાવેતરમાં પાણીની સમસ્યા ન હોય તો ઉતારો સારો મળે છે એટલે પુરવઠો તો વધારે જ આવશે. ઘઉં સમાવવાનો પ્રશ્ન થાય એટલો પાક દેશભરમાં આવશે એવા અહેવાલો છે.

કેન્દ્ર સરકારે ઘઉંનો ટેકાનો ભાવ મણે રૂ.517 નક્કી કર્યો છે, ગયા વર્ષ કરતા એમાં રૂ. 32નો વધારો કરવામાં આવ્યો છે. નવી મોસમમાં ટેકાની નીચે ભાવ સરકે તેવી શક્યતા છે અને ગુજરાતમાં પણ સરકારે જોરશોરથી ખરીદી કરવી પડે તેવું ચિત્ર છે.

ઘઉંના પાકની સ્થિતિ જોતા ખેડૂતો અને ટ્રેડરોએ નિકાસછૂટ આપવા માટે સરકાર સમક્ષ માગણી મૂકી છે. જેના પર મે 2022થી પ્રતિબંધ છે. અલબત્ત, ગયા મહિને સરકારે 5 લાખ ટનની મર્યાદામાં આટો, મેંદો અને રવો નિકાસ કરવા માટે છૂટ આપી છે પરંતુ સરકારે સ્પષ્ટતાના અભાવવાળી કરેલી આ જાહેરાતને લીધે કોઇ નિકાસકાર સોદા કરી શકે તેમ નથી.

---

 

ઇ-પેપરના નવા શુલ્ક