નવી દિલ્હી, તા.13: ટી-20 વર્લ્ડ કપ-2026ના ગુરુવારે રમાયેલા નામીબિયા સામેના મેચમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ 109 મીટરનો અને શિવમ દૂબેએ 107 મીટરનો છક્કો ફટકાર્યો હતો. આ સાથે જ ટી-20 વિશ્વ કપ ઇતિહાસમાં સૌથી લાંબા છક્કાની સૂચિમાં હાર્દિક-શિવમ ટોચના પાંચ ક્રમમાં આવી ગયા છે. હાર્દિક-શિવમે આ પરાક્રમ એક ઓવરમાં જ કર્યું હતું. ભારતના દાવની 1પમી ઓવરમાં નામીબિયાના બર્નાડ સ્કોલ્જના દડામાં પહેલા શિવમે મીડવિકેટ પર 107 મીટરનો છક્કો લગાવ્યો હતો. આ પછી આ જ ઓવરના ત્રીજા દડે હાર્દિકે 109 મીટરનો છક્કો ફટકાર્યો હતો. વર્તમાન વિશ્વ કપમાં આ બન્ને પહેલા-બીજા નંબર પર છે. ટી-20 વિશ્વ કપ ઇતિહાસનો સૌથી લાંબા છક્કાનો રેકોર્ડ યુવરાજ સિંઘના નામે છે. તેણે 2007ના પહેલા સંસ્કરણમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 119 મીટર લાંબો છક્કો ફટકાર્યો હતો. જે આજે પણ અકબંધ છે. આ સૂચિમાં બીજા સ્થાને ઈંગ્લેન્ડનો લિયામ લિવિંગસ્ટોન (112), ત્રીજા સ્થાને વિન્ડિઝનો આંદ્રે રસેલ (111) છે. ચોથા સ્થાને હાર્દિક આવી ગયો છે. તે અને યૂએઇનો ઝુનૈદ સિદ્કી 109 મીટરના છક્કા સાથે છે. 107 મીટરના છક્કા સાથે શિવમ દૂબે અને વિન્ડિઝનો રોવમેન પોવેલ સંયુકતરૂપે પાંચમા ક્રમે છે.