• રવિવાર, 28 એપ્રિલ, 2024

સાબરકાંઠા: ભાજપે જાહેર કરેલા બીજા ઉમેદવારનો પણ ભારે વિરોધ, કાર્યકરોની રાજીનામાંની ચીમકી હિંમતનગરનાં કાર્યાલયે કાર્યકર્તાઓએ ઉમેદવારને બદલવાની માગ સાથે વિરોધ નોંધાવ્યો

અમદાવાદ, તા.26 : ગુજરાતમાં ભાજપના કેટલાક ઉમેદવારોને લઈને ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. આ નારાજગી હવે ખૂલીને બહાર પણ આવી રહી છે  ત્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપમાં વિવાદ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. પહેલા ઉમેદવાર ભિખાજી ઠાકોર પોતાની અટકને લઈને વિવાદમાં આવ્યા બાદમાં તેમણે જાતે જ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દીધી. આ બાદ ભાજપે સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાની પસંદગી કરવામાં આવી છે ત્યારે હવે ભાજપના કાર્યકરો ખુલીને તેમનો પણ વિરોધ કરી રહ્યા છે. હિંમતનગરના કાર્યાલય ખાતે પહોંચીને કાર્યકર્તાઓએ શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા વિરોધ નોંધાવ્યો હતો અને ઉમેદવારને બદલવાની માગ કરી હતી. 

શોભનાબેન બારૈયા છેલ્લાં 30 વર્ષથી પ્રાંતિજના માલિશના ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. સાથોસાથ પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રાસિંહ બારૈયાનાં પત્ની છે. મહેન્દ્રાસિંહ બારૈયા 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા. એવામાં તેમની પત્નીની ટિકિટ મળતા વર્ષોથી ભાજપમાં સક્રિય કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનો આરોપ છે કે શોભનાબેન બારૈયા ભાજપના કાર્યકર્તા ન હોવા છતાં તેમને ટિકિટ આપી દેવામાં આવી છે. તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે, જો સાબરકાંઠા બેઠકથી ટિકિટ નહીં બદલાય તો મોટા પ્રમાણમાં રાજીનામાં ધરી દેશે. રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલને ઉમેદવાર બદલવા માટે માગ કરી હતી.  

આ સાથે હિંમતનગર તાલુકા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં ભાજપના કાર્યકરો કહી રહ્યા છે કે મહિલા ઉમેદવારને ટિકિટ આપવાની વાત હતી તો કૌશલ્યા કુવરબાને કેમ ટિકિટ ના આપી. મહિલા ભાજપના કાર્યકર્તા નથી તેમને ટિકિટ આપી અન્યાય કરો છો.

અહીં નોંધવું ઘટે કે હાલ ભાજપમાં ગુજરાતની કેટલીક સીટો પર ઉમેદવારો બદલવાની માંગ ઉઠી છે. જેમાં સ્થાનિક ઉમેદવારને બદલે આયાતી ઉમેદવારની પસંદગી કરતા સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ સાથે કાર્યકર્તાઓ તેનો ખૂલીને વિરોધ પણ કરી રહ્યા છે ત્યારે હવે આ વિવાદને ખતમ કરવા ભાજપ ઉમેદવાર બદલશે કે કાર્યકર્તાઓને મનાવીને મામલો શાંત પાડવાની કોશિશ કરે છે તે જોવું રહ્યું.

ઇ-પેપરના નવા શુલ્ક