• શનિવાર, 11 મે, 2024

ધોરણ 10-12નું પરિણામ મતદાન પછી આવે તેવી શક્યતા

ગયા વર્ષે બોર્ડનું રીઝલ્ટ મે મહિનામાં પ્રથમ અઠવાડિયામાં કરાયું હતું જાહેર

અમદાવાદ, તા. 27  ગુજરાતમાં લાખો છાત્રો ધોરણ 10-12ના પરિણામની રાહ જોઈ રહ્યાં છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી. આ પહેલાં ચૂંટણીને કારણે બોર્ડનું રિઝલ્ટ વહેલા જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી પરંતું હવે એક મોટી અપડેટ સામે આવી છે. ચૂંટણીને કારણે જ હવે બોર્ડની પરીક્ષાનું પરિણામ ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. 

હાલમાં શિક્ષકો લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે. 7મીએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે એ પહેલાં રિઝલ્ટ જાહેર થાય તેવી સંભાવનાઓ હાલમાં દેખાઈ રહી નથી. ગુજરાતમાં હવે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામના ઓડિટની કામગીરી ચાલી રહી છે. હવે સામે લોકસભા ચૂંટણી આવી રહી છે માટે શિક્ષકોની જવાબદારીઓ પણ વધશે. જેના પગલે હવે રાજ્યમાં મતદાન પૂર્ણ થયા બાદ મે મહિનાના અંતિમ તબક્કામાં પરિણામ જાહેર થાય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. બોર્ડ દ્વારા હજુ સુધી આ બાબતે ઓફિશિયલ ખુલાસો કરાયો નથી પણ આ મામલે વિગતો બહાર આવી શકે છે. ગયા વર્ષે બોર્ડનું રીઝલ્ટ મે મહિનામાં પ્રથમ અઠવાડિયામાં જાહેર કરવામાં આવ્યું હતું.  નોંધનીય છે કે ધોરણ 10 માની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાઇ હતી. હવે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી આ મહિનાના અંતમાં પરિણામ જાહેર થાય તેવી શક્યતાઓ ધૂંધળી છે. સૂત્રોએ જણાવ્યું હતુ કે ડેટા એન્ટ્રીનું કામ એટલે કે માર્કશીટનું કામ હવે પણ પૂર્ણ થવા આવ્યું છે. એપ્રિલના અંત સુધીમાં માર્કશીટનું કામ સંપૂર્ણપણે પૂરું થઈ જશે ત્યારબાદ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક