• રવિવાર, 28 એપ્રિલ, 2024

ભીખાજી ઠાકોરનાં સમર્થનમાં કાલે મેઘરજ બંધનું એલાન, જિ.પં. સદસ્યનું રાજીનામું

            ભાજપ તારા વળતાં પાણી અને ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ભાજપને મત નહીંનાં બેનર સાથે સૂત્રોચાર

મોડાસા, તા.24 : સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભાજપ માટે ગળામાં હાડકું ફસાયા જેવો ઘાટ સર્જાયો છે. ભાજપે ઉમેદવાર તરીકે ભીખાજી દૂધાજી ઠાકોરનું નામ જાહેર કર્યું હતું. તેમની જાતિને લઈને આયોજનબદ્ધ વિવાદ ઉભો કરી સોશિયલ મીડિયાથી લઈને પત્રિકા યુદ્ધ સુધી પહોંચતા ભીખાજી ડામોરને ભાજપ હાઇકમાન્ડે સૂચના આપી હતી. શનિવારે સવારે ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા મારફતે વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી ન લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ સાથે તેમના સમર્થકો મોટી સંખ્યામાં અરવલ્લી કમલમ કાર્યાલય ખાતે પહોંચી ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરને યથાવત્ રાખવા માગ કરી હતી.

 આજે ઉંડવા રોડ પર લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમનાં સમર્થનમાં સર્વ સમાજ હોવાના બેનર સાથે ભાજપ તારા વળતાં પાણી અને ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ભાજપને મત નહીંના સૂત્રોચાર કર્યા હતા. મેઘરજમાં પણ તેમના સમર્થકોએ રેલી કાઢી હતી અને સોમવાર સાંજ સુધી સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરને યથાવત્ નહીં રાખવામાં આવે તો મંગળવારે મેઘરજમાં સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લા ભાજપમાં અત્યારે ઉકળતો ચરૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક