સ્થાપનાનાં 58 વર્ષ પછી બીએસએફ સીમાવર્તી જિલ્લાનાં જનજીવન સાથે વણાઇ ગયું છે : કુદરતી આફતો વખતે સદાય દળના જવાનો રહે છે ખડેપગે
અદ્વૈત અંજારિયા દ્વારા
ભુજ, તા. 30 : રણ, દરિયો, દલદલ, અટપટી ક્રીક જેવી અત્યંત વિચિત્ર ભૌગોલિક પરિસ્થિતિમાં પણ?કચ્છ સહિતની દેશની સરહદોનું રખોપું કરતા સીમા સુરક્ષા દળની સ્થાપનાનો ઇતિહાસ આ દુર્ગમ જિલ્લા સાથે સંકળાયેલો છે. વર્ષ 1965નાં ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે રાજ્ય સશત્ર પોલીસ બટાલિયનની સીમાની સુરક્ષા અર્થે મર્યાદા છતી થતાં કચ્છના જ રાજ પરિવારના તત્કાલીન સાંસદે નાપાક ખતરા અંગે ધારદાર રજૂઆત કરી હતી અને સીમાની સુરક્ષા કાજે ફોજની જેમ અસરકારક દળ બનાવવાની હિમાયત કરી હતી. જેના પગલે કેન્દ્ર સરકારે જરૂરત સમજીને 1લી ડિસેમ્બર 1965ના સીમા સુરક્ષા દળની સ્થાપના કરી હતી. આજે 58 વર્ષ પછી આ મહત્ત્વનું દળ કચ્છનાં જનજીવન સાથે રીતસર વણાઇ?ગયું છે.
9મી એપ્રિલ 1965ના પાકિસ્તાને કચ્છની સરદાર પોસ્ટ, છાડબેટ, બિયારબેટ?વિસ્તારમાં હુમલો કર્યો હતો. કચ્છનાં રણમાં નાપાક દળોએ ઘૂસણખોરી કરી. આ હુમલા વખતે રાજ્ય-કેન્દ્રીય પોલીસ દળના જવાનોએ બહાદુરીપૂર્વક તે આક્રમણ ઝીલ્યું હતું. આમ છતાં તેની મર્યાદા છતી થઇ હતી. તત્કાલીન સ્વતંત્ર?પક્ષના સાંસદ મ.કુ. હિંમતસિંહજી સજાગ હતા. 1965માં ભારત ઊંઘતું રહ્યું અને પાકિસ્તાની દળો આપણો મુલક પચાવતાં આગળ વધતાં રહ્યાં. ત્યારે તેમણે સંસદ ઉપરાંત ગૃહમંત્રીથી માંડીને વિદેશમંત્રી સુધી જોશભેર રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે શત્રસજ્જ અને તાલીમબદ્ધ ખાસ દળની જરૂરિયાત અનુભવી અને 1લી ડિસેમ્બર 1965ના આ સીમા સુરક્ષા દળ અસ્તિત્વમાં આવ્યું. કે. એમ. રૂસ્તમજી તેના પ્રથમ વડા બન્યા.
સ્થાપના સાથે જ સીમા સુરક્ષા દળે દેશની રણ?સરહદો સંભાળી લીધી. તેની પ્રથમ બટાલિયનને સરદાર ચોકી, વિઘાકોટ, કરીમશાહી, બિયારબેટ, પોઇન્ટ 84, ભેડિયાબેટ, મોટાબેટ અને ખાવડાની જવાબદારી સોંપાઇ, જ્યારે બીજી બટાલિયનને ખડીર અને બનાસકાંઠા સરહદે તૈનાત કરાઇ. ધીરે ધીરે આ દળ કચ્છ-ગુજરાત અને દેશમાં સીમાના રખોપાં માટે મહત્ત્વનું બની ગયું.
આજે 58 વર્ષ પછી આ દળ ખાસ તો કચ્છનાં જનજીવન સાથે વણાઇ ગયું છે. કચ્છમાં આવતી ધરતીકંપ, વાવાઝોડાં જેવી કુદરતી આફતો વેળા તેના જવાનો ખડેપગે રહે છે. અટપટી કચ્છની સીમાનું રખોપું કરતા આ જવાનો સીમાએ આવતા નાગરિકોની પણ ઉષ્માભેર આગતા-સ્વાગતા કરે છે. ઘર-પરિવારથી દૂર દુર્ગમ સીમાએ કડકડતી ઠંડી કે ચામડી દાઝી જાય તેવી સખત ગરમી વચ્ચે પણ આ દળ ભારત માતાની સુરક્ષા અર્થે સતત ચુસ્ત રહે છે.
કાશ્મીરમાં તો આતંકવાદ સામે સતત ઝીંક ઝીલતાં આ અર્ધ લશ્કરી દળની ખૂબી એ છે કે તે એર વિંગ, મરીન વિંગ, આર્ટીલરી રેજિમેન્ટ અને કમાન્ડો યુનિટ ધરાવતું તે એકમાત્ર?અર્ધ લશ્કરી દળ છે. વર્ષ 1971નું ભારત-પાક યુદ્ધ આ દળના શૌર્ય ઇતિહાસનું સુવર્ણાક્ષરે લખાયેલું પાનું છે. જે તે સમયે કચ્છની સીમાએથી કૂચ કરીને સિંધના નગરપારકર ઉપર ભારતીય ત્રિરંગો તેણે લહેરાવ્યો હતો. મેજર ચંદનસિંહ ચંડેલે વિંગુર ચોકી ઉપર હલ્લો બોલાવ્યો હતો એ પ્રકરણ ‘બેટલ ઓફ વિરાવા’ તરીકે પ્રખ્યાત છે.
અત્યારે તો આ દળ પાસે અદ્યતન સ્પીડ?બોટ, તરતી ચોકી, ઓલ ટેરેન વ્હીકલ?(એટીવી) વગેરે જેવાં સાધનોને કારણે દરિયા, રણ અને દલદલ એમ સમગ્ર સીમાનું પેટ્રાલિંગ સુગમ બન્યું છે. કચ્છ હંમેશાં આ ફરજ પરસ્ત દળનું ઋણી રહેશે. આ દળને સ્થાપના દિવસે સો સો સલામ.