• રવિવાર, 06 જુલાઈ, 2025

મહિનામાં મોસમનો 40 % વરસાદ પડી ગયો : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર

251 તાલુકાઓ પૈકી 121 અર્થાત અર્ધા તાલુકાઓમાં સરેરાશ 10 થી 20 ઇંચ વરસાદ થઇ ચૂક્યો

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, તા.5 : જેની શરૂઆત સારી તેનો અંત સારો-ઉક્તિ ચોમાસાને બંધ બેસે છે. જૂન મહિનાના આરંભથી જ ચોમાસાએ અવિરત વરસાદની ફટકાબાજી શરૂ કરતા જુલાઇના પ્રથમ સપ્તાહ સુધીમાં  40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.સમગ્ર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાવણીલાયક સારો વરસાદ થયા પછી ચાલુ સપ્તાહે ઉત્તર ગુજરાતમાં પણ વાવણીલાયક વરસાદ પડી ગયો છે. ખેડૂતો ખેતીમાં વ્યસ્ત બન્યા છે. 42 ટકા વરસાદ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ટોચ પર રહ્યા છે. જોકે ઉત્તર ગુજરાતમાં પણ 36 ટકા અને કચ્છ-મધ્ય ગુજરાતમાં 39 ટકા વરસાદ થઇ ગયો છે.

મગફળી અને કપાસ ગુજરાતના મુખ્ય ખરીફ પાક છે. જેનું હોબેશ વાવેતર ચાલી રહ્યું છે. મગફળીનો વિસ્તાર નવો રેકોર્ડ બનાવે તેમ છે. જોકે હવે કપાસ હાંફી જાય એવી પરિસ્થિતિ છે. સોયાબીન, તલ, કઠોળ અને અનાજના વાવેતર વેગથી થઇ રહ્યા છે.

ગુજરાતના કુલ 251 તાલુકાઓ પૈકી 121 અર્થાત અર્ધા તાલુકાઓમાં સરેરાશ 10થી 20 ઇંચ વરસાદ થઇ ચૂક્યો છે. 20થી 40 ઇંચ વરસાદ થયો હોય એવા તાલુકાઓની સંખ્યા 39 છે અને 5થી 10 ઇંચ વરસાદ પડયો હોય તેવા તાલુકાઓની સંખ્યા 70 જેટલી છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં બોટાદ જિલ્લામાં સરેરાશ 17 ઇંચ વરસાદ પડી ગયો છે. બોટાદ શહેરમાં સૌથી વધુ 22 ઇંચ પાણી પડી ગયું છે. જૂનાગઢ જિલ્લામાં સરેરાશ 16 ઇંચ વરસાદ પડયો છે અને સૌથી વધુ 17 ઇંચ જૂનાગઢ શહેરમાં થયો છે. પોરબંદરમાં સરેરાશ 13 ઇંચ વરસાદ થતા 15 ઇંચ સાથે રાણાવાવ મોખરે છે. જામનગરમાં 13 ઇંચ સરેરાશ વરસાદ થઇ ગયો છે. જોડીયા માં 21.50 ઇંચ પડતા અગ્રેસર છે.

રાજકોટ જિલ્લામાં સૌથી વધારે વરસાદ જેતપુરમાં 17 ઇંચ પડયો છે. જિલ્લામાં કુલ સરેરાશ 11 ઇંચ થયો છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 13 ઇંચ પડી ગયો છે. મોરબી જિલ્લામાં સૌથી વધારે વરસાદ 12 ઇંચ વાંકાનેરમાં પડયો છે. જિલ્લાની સરેરાશ સાડા નવ ઇંચ છે.

ભાવનગર જિલ્લામાં સરેરાશ વરસાદ 14 ઇંચ થયો છે. સૌથી વધારે વરસાદ મહુવા અને વલભીપુરમાં 18 ઇંચ પડયો છે. અમરેલી જિલ્લામાં 11 ઇંચ વરસાદ પડયો છે, સૌથી વધારે 15 ઇંચ થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ 12 ઇંચ થયો છે. સૌથી વધારે વરસાદ તાલાલામાં 16 ઇંચ પડયો છે.

દેવભૂમિ દ્વારકામાં સૌથી વધારે વરસાદ 17 ઇંચ કલ્યાણપુરમાં પડયો છે. જિલ્લાની સરેરાશ 12 ઇંચની છે. કચ્છ વિસ્તારમાં સરેરાશ 7 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. 12 ઇંચ સાથે ગાંધીધામ મોખરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક