• રવિવાર, 06 જુલાઈ, 2025

ગુજરાત કપાસના ઉત્પાદનમાં મહારાષ્ટ્રથી પાછળ રહી ગયું

            એક સમયે ભારતનું નંબર વન કપાસ ઉત્પાદક રાજ્ય હતુ, આ વર્ષે પણ વાવેતર ઘટશે

રાજકોટ, તા. 4 (ફૂલછાબ ન્યૂઝ) : ગુજરાતમાં કપાસના ખેડૂતો ખેતીથી વિમુખ થઇ રહ્યા છે. ઉત્પાદનના ઓછા ભાવને કારણે ખેડૂતો મગફળી અને સોયાબીન જેવા અન્ય પાક તરફ વળી રહ્યા છે, જેના કારણે કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો થવાનું નિશ્ચિત છે તેમ કૃષિપ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતું. અલબત્ત તાજેતરમાં કૃષિ ખાતાએ રજૂ કરેલા વાવેતર વિસ્તારના અહેવાલોમાં આ વર્ષનું વાવેતર વધતું દેખાયું છે. ચાલુ વર્ષનો વાવેતર વિસ્તાર 13.99 લાખ હેક્ટર સુધી પહોંચ્યો છે. જે ગયા વર્ષમા 30 જૂન સુધીમાં 12.72 લાખ હેક્ટર હતો. રાજ્યમાં કપાસનું સરેરાશ વાવેતર 25-26 લાખ હેક્ટર આસપાસ રહેતું હતું. જે ગયા વર્ષમાં 23 લાખ હેક્ટર આસપાસ સ્થિર થઇ ગયું હતુ. જોકે હવે ચાલુ વર્ષનો આંકડો પણ અગાઉના વર્ષ કરતા નીચે જતો જશે તેમ ખેડૂતો કહી રહ્યા છે.  રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે , ગુજરાતમાં કપાસના ખેડૂતોને પાછલા ત્રણ ચાર વર્ષથી ભાવ મેળવવામાં સમસ્યા થાય છે. પરિણામ એ આવ્યું છેકે મગફળી જેવા પાકના વાવેતર વધી રહ્યા છે. સોયાબીનનો વિસ્તાર પણ વધ્યો છે. 

‘ગુજરાત કપાસના ઉત્પાદનનું કેન્દ્ર છે કારણ કે આપણે  મૂલ્ય શૃંખલામાં ઘણું રોકાણ કર્યું છે, પટેલે જણાવ્યું હતું. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે રાજ્યમાં કપાસના ખેડૂતોને મળતા અપૂરતા ભાવ કપાસના ઉત્પાદકને નિરાશ કરી રહ્યા છે.’ રાજ્યમાં કપાસના ખેડૂતો ઓછા ઉત્પાદન અને નીચા ભાવ બન્નેથી પરેશાન છે. 

ગુજરાતનો કપાસનો વાવેતર વિસ્તાર 2023-24ના 26.79 લાખ હેક્ટરથી ઘટીને 2024-25 ખરીફ સિઝનમાં 23.62 લાખ હેક્ટર થયો હતો. આ વર્ષે એમાં પણ ઘટાડો થાય એમ છે. કપાસના વાવેતર વિસ્તારમાં મહારાષ્ટ્ર હવે મોખરે છે. એક સમયે સૌથી મોટું કપાસ ઉત્પાદક રાજ્ય, ગુજરાતે તેનું સ્થાન મહારાષ્ટ્રને સોંપી દીધું છે, જે હવે યાદીમાં ટોચ પર છે અને ત્યારબાદ ગુજરાત આવે છે.

કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયાના તાજેતરના અંદાજ મુજબ, ગુજરાતમાં કપાસનું પ્રેસિંગ આ વર્ષે 76 લાખ ગાંસડી (પ્રત્યેક ગાંસડીનું વજન 170 કિલો)થયું છે. એની સામે મહારાષ્ટ્રમાં 85 લાખ ગાંસડી અને તેલંગાણામાં 48 લાખ ગાંસડી પ્રેસિંગ થયું છે. 

દરમિયાન, છેલ્લા પાંચ વર્ષથી ભારતનું એકંદર કપાસ ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. નબળા ઉતારા અને અપૂરતા ભાવ એ માટે મહત્ત્વના કારણો છે. એક સમયે વૈશ્વિક સ્તરે અગ્રણી રહેતું ભારતનું કપાસનું ઉત્પાદન 2013-14માં 398 લાખ ગાંસડી હતું તે અથ્યારે 290-295 લાખ ગાંસડી સુધી નીચે આવી ગયું છે. આપણી હેક્ટરદીઠ ઉત્પાદકતા 450 કિલો પ્રતિ હેક્ટર છે. એની સામે ચીન 1993 કિલોનો રેકોર્ડ ધરાવે છે. અમેરિકા અને બ્રાઝિલ પણ 1000 કિલો ઉપર સરેરાશ ઉતારો ધરાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક