મહારાષ્ટ્ર-મરાઠા હિત સર્વોચ્ચ : ઠાકરે ભાઈઓ એક મંચ ઉપર આવ્યા અને ભેંટયા : ત્રિભાષા નીતિનો વિરોધ, મરાઠી અસ્મિતાની રક્ષાનો સંકલ્પ
મુંબઈ, તા.પ : મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારે મોટો વણાંક આવ્યો જયારે ર0 વર્ષે ઉદ્ધવ અને રાજ ઠાકરે એક મંચ ઉપર આવ્યા અને ભેંટયા હતા. શિવસેનામાંથી ફાંટા પડયા બાદ બન્ને પિતરાઈ ભાઈઓનું આ મિલન મરાઠી માનુષના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવે છે. ઠાકરે ભાઈઓની એકતાની અસર આગામી બીએમસી, વિધાનસભા ચૂંટણીમાં જોવા મળશે.
ઉદ્ધવ અને રાજ ઠાકરેએ મરાઠી દિવસ રેલીમાં મહારાષ્ટ્ર અને મરાઠીઓના હિતમાં એકતા દર્શાવી હતી. તેમણે ત્રિભાષા નીતિનો વિરોધ કર્યો અને મરાઠી અસ્મિતાની રક્ષાનો સંકલ્પ લીધો હતો. વર્લી સ્થિત એનએસસીઆઈ ડોમમાં આયોજિત આવાજ મરાઠીચા નામની મહારેલીમાં ઠાકરે ભાઈઓએ સાથે રહી મોટો સંદેશો આપ્યો હતો. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે મેં પહેલા જ કહ્યું હતું કે ઝઘડાથી મોટું મહારાષ્ટ્ર છે. ઉદ્ધવે પણ મંચ પરથી હુંકાર ભર્યો કે અમે આજે માત્ર બોલી રહયા નથી, અમે સાથે આવ્યા છીએ સાથે રહેવા માટે. અમોને અલગ કરનારાઓને હવે બહાર ફેંકી દેશું. ન્યાય માટે અમારે ગુંડાગીરી કરવી પડશે તો કરીશું. મરાઠી હિત માટે લડવું ગુંડાગીરી છે તો હા, અમે ગુંડા છીએ.
રાજ ઠાકરેએ ઉદ્ધવ સાથે રહી મંચ પરથી કહ્યું કે જે બાલાસાહેબ ન કરી શકયા તે ફડણવીસે કરી બતાવ્યું છે. અમો બન્નેને એક સાથે લાવવાનું કામ. રાજની આવી વાત પર પંડાલમાં ઉપસ્થિત જનમેદનીએ તાલીઓથી વધાવી હતી. તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના જે પ્રયાસ કરાઈ રહ્યા છે તે કયારેય સફળ નહીં થાય. જો કોઈ મુંબઈ પર હાથ નાંખવાનો પ્રયાસ કરશે તો મરાઠી માનુષનું અસલી બળ જોશે. તેમણે સવાલ પૂછયો કે શું આપણે અડવાણીના હિન્દુત્વ પર શંકા કરી શકીએ ? કેન્દ્ર સરકાર પર હિન્દી લાદવાનો આરોપ લગાવતાં ભાષા અને સંસ્કૃતિ મુદ્દે બાલ ઠાકરે, અડવાણી અને દક્ષિણ ભારતીય નેતાઓના ઉદાહરણ ટાંકયા હતા. તેમણે ત્રણ ભાષા ફોર્મ્યુલા પાછી ખેંચાયાના નિર્ણયને મરાઠી અસ્મિતાની જીત ગણાવી અને તેનો શ્રેય મરાઠી એકતાને આપ્યો હતો.
ત્રિભાષા નીતિ અને શાળાઓમાં હિન્દીને ફરજિયાત બનાવવા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે શિવસેના-યૂબીટી અને એમએનએસ અલગ અલગ રીતે વિરોધ કરી રહયા હતા પરંતુ અચાનક તેમણે અલગ અલગને બદલે સંયુક્ત રેલી કરીને કેન્દ્ર તથા રાજ્ય સરકારને મોટો રાજકીય સંદેશો આપ્યો છે. આ રેલીને એક સાંસ્કૃતિક આંદોલન તરીકે પ્રસ્તુત કરાઈ હતી.
વિજયી સભાને બદલે રુદાલી ભાષણ : ફડણવીસ
ઉદ્ધવ અને રાજ ઠાકરેના શક્તિ પ્રદર્શન અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વ્યંગાત્મક પ્રતિક્રિયા આપી કે જેને વિજયી સભા કહેવામાં આવતી હતી પરંતુ ખરેખર તો ત્યાં રુદાલી ભાષણ થયું છે. મુંબઈના વિકાસ અંગે ઠાકરે ભાઈઓને ઘેરતાં કહ્યંy કે રપ વર્ષ સુધી બીએમસી તેમની પાસે રહી પરંતુ દેખાડવા લાયક કોઈ કામ થયું નથી. આજે જ્યારે મુંબઈનો ચહેરો બદલાયો છે તો તેમને બળતરા થઈ રહી છે.