• રવિવાર, 06 જુલાઈ, 2025

વક્ફ કાયદો : કેન્દ્ર સરકારે નવા નિયમો બહાર પાડયા

તમામ વક્ફ સંપત્તિની ઓનલાઈન નોંધણી થશે

નવી દિલ્હી, તા.5 :  કેન્દ્ર સરકારે યુનિફાઈડ વક્ફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ રૂલ્સ-2025નું પરિપત્ર બહાર પાડયું છે. આ નિયમો વક્ફ સંપત્તિઓના પોર્ટલ અને ડેટાબેઝ, તેની નોંધણી, ઓડિટ અને ખાતાની જાળવણી અંગેના છે.

નવા નિયમો હેઠળ એક કેન્દ્રીકૃત પોર્ટલ અને ડેટાબેઝ બનાવવામાં આવ્યા છે જેમાં દેશભરની તમામ વક્ફની સંપૂર્ણ વિગતો નોંધવામાં આવી હશે. તેમાં વક્ફ સંપત્તિઓની સૂચિને અપલોડ કરવી, નવી નોંધણી, વક્ફ રજિસ્ટરની જાળવણી, ખાતાંઓની જાણકારી આપવી, ઓડિટ અહેવાલ પ્રકાશિત કરવો અને બોર્ડના આદેશોને દર્જ કરવાનો સમાવેશ થાય છે.

વક્ફ સંપત્તિનો વ્યવસ્થાપક (મુતવલ્લી) પોતાના મોબાઈલ નંબર અને ઈ-મેલ દ્વારા ઓટીપીથી લોગ-ઈન કરીને પોર્ટલ પર રજિસ્ટર કરાવી શકશે. આ પછી વક્ફ અને તેની સંપત્તિનું વિવરણ અપલોડ કરી શકશે.

નવી વક્ફ સંપત્તિના બન્યાના ત્રણ મહિનાની અંદર પોર્ટલ પર ફોર્મ-4માં નોંધણી કરાવવાની રહેશે. નવા નિયમો વક્ફ (સંશોધન) અધિનિયમ 2025 હેઠળ બનાવવામાં આવ્યા છે જે આઠમી એપ્રિલ 2025થી લાગુ થયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક