ત્રણ દિવસથી હડકાયા અને હિંસક શ્વાનના આતંકથી ભયનો માહોલ, તત્કાલ પગલા લેવાય તે જરૂરી
ચિતલ,
તા.3 : જસવંતગઢ પંથકમાં શ્વાને આતંક મચાવ્યો હોય તેમ ભયનો માહોલ છે. જસવંતગઢ ગામમાં
શ્વાને બચકા ભરી લેતા એક બાળકીનું મૃત્યુ થયું છે તો ગંભીર રીતે ઘવાયેલું એક બાળક રાજકોટ
હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે ચિતલમાં પણ એક બાળક અને એક વૃદ્ધને હડકાયા શ્વાને
બચકા ભરી લેતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
જસવંતગઢ-રીકડિયાની
સીમમાં રહીને ભાવેશ મધુભાઈ ગજેરાની વાડીમાં ખેતમજૂરી કરતા એમ.પી.ના પરિવારની બે વર્ષીય
બાળકી આંગણામાં રમી રહી હતી ત્યારે બેથી વધારે શ્વાને બચકા ભરી ગંભીર રીતે ઘાયલ કરી
હતી. પરિવારજનો તાત્કાલિક 108માં અમરેલી સિવિલમાં લઈ જતાં ફરજ પરના ડૉક્ટરે બાળકીને
મૃત જાહેર કરી હતી જ્યારે જસવંતગઢ ગામના જ કાંગસિયા પ્લોટ વિસ્તારમાં રહેતા મુકેશ કાળુભાઈ
ચૌહાણ (ઉં.વ.4) નામનું બાળક ગઈકાલે તેના ઘર પાસે રમતુ હતુ ત્યારે હિંસક શ્વાને ખેંચી
જઈને ગંભીર રીતે ઘાયલ કર્યુ હતું. તેને 108માં અમરેલી ત્યાંથી રાજકોટ હોસ્પિટલે ખસેડાયું
છે જ્યારે ચિત્તલ ગામની ધારવાડીમાં રહેતા મુકેશ મનસુખભાઈ લીંબાસિયાના ત્રણ વર્ષના બાળકને
તથા મગનભાઈ લીંબાસિયા (ઉં.પ0) ને પણ હડકાયા શ્વાને બે દિવસ પહેલા બચકા ભર્યા છે. બે
વર્ષ પહેલા પણ ચોમાસામાં શ્વાનો હિંસક બની રહ્યા હોવા અંગેની રજૂઆતો વન વિભાગ તેમજ
પશુ નિયામકને કરાઈ છે, ત્યારે હવે તત્કાલ પગલા લેવાય તે જરૂરી છે.