BCCI અને બંગલાદેશ ક્રિકેટ બોર્ડે પરસ્પરની સહમતિથી કર્યો નિર્ણય
નવી દિલ્હી, તા. 5 : ભારતીય ક્રિકેટ ટીમનો બંગલાદેશ પ્રવાસ સપ્ટેમ્બર 2026 એટલે કે એક વર્ષ માટે ટાળવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આ મામલે સત્તાવાર ઘોષણા કરી છે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડ અને બીસીસીઆઈએ પરસ્પરની સહમતિથી આ નિર્ણય લીધો છે.
ભારતીય ટીમ ઓગસ્ટ 2025માં બંગલાદેશનો પ્રવાસ કરવાની હતી. બંગલાદેશ પ્રવાસે મેજબાન ટીમ સામે ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમાવાના હતા. આ મુકાબલા 17 ઓગસ્ટથી 31 ઓગસ્ટ વચ્ચે થવાના હતા. બીસીસીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે બન્ને ક્રિકેટ બોર્ડની સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં બન્ને ટીમની આંતરરાષ્ટ્રીય વ્યસ્તતા અને શેડયુલ સંબંધિત સમસ્યાઓને ધ્યાને લેવામાં આવી છે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે તે 2026માં ભારતની મેજબાની કરવા ઉત્સુક છે. સિરીઝની નવી તારીખોની ઘોષણા બાદમાં સત્તાવાર રીતે કરવામાં આવશે.
બંગલાદેશ પ્રવાસ ટાળવામાં આવતા હવે ક્રિકેટના મેદાન ઉપર વિરાટ કોહલી અને રોહિત શર્માની વાપસીની રાહ વધી છે. ટીમ ઈન્ડિયા બંગલાદેશ પ્રવાસે ત્રણ વનડે રમશે જેમાં બન્ને દિગ્ગજ રમતા જોવા મળશે. આમ પણ ભારત અને બંગલાદેશ વચ્ચે વર્તમાન સમયે સંબંધો તણાવપૂર્ણ છે, જેની અસર શ્રેણી ઉપર જોવા મળી છે. માનવામાં આવે છે કે ભારત સરકારે બીસીસીઆઈને સલાહ આપી હતી કે ભારતીય ટીમને બંગલાદેશ પ્રવાસે મોકલવામાં ન આવે.