પોરબંદરના ગરેજ ગામે શિક્ષક પર
વિદ્યાર્થીના પિતાએ હુમલો કરી આપી ધમકી
પોરબંદર, તા.5: પોરબંદરના ગરેજ
ગામે સરકારી શાળાના શિક્ષક ઉપર વિદ્યાર્થીના પિતાએ વિચિત્ર કારણોસર હુમલો કરતા પોલીસ
ફરિયાદ દાખલ થઇ છે.
પોરબંદર નજીકના ગરેજ ગામે સરકારી
પ્રાથમિક શાળામાં છેલ્લા 25 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ગરેજ ગામે જ ચકલા વિસ્તારમાં
રહેતા 52 વર્ષીય માલદેભાઇ ભીખાભાઇ સોલંકી દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી
છે કે તેઓ તા.4 જુલાઇના બપોરે સરકારી પ્રાથમિક શાળામાં આઠમા ધોરણમાં વિદ્યાર્થીઓને
ભણાવતા હતા, તે દરમિયાન ગરેજ ગામે દેવીપૂજકવાસમાં રહેતો જખરા ડાયા સોલંકી શાળાની લોબીમાં
આવીને જોરજોરથી બુમો પાડતો હતો અને ગાળો બોલતો હતો આથી શિક્ષક માલદેભાઇ વર્ગખંડમાંથી
લોબીમાં ગયા ત્યારે જખરાએ માલદેભાઇને ‘મારા બાળકો ગઇ કાલે કહેતા હતા કે અમારા શિક્ષક
માલદેભાઇ ભણાવતી વખતે મચ્છીની વાતો કરે છે.’ તમે શાળામાં આવું ભણાવો છો ? તેમ કહીને
શિક્ષક જવાબ આપે તે પહેલા જખરો તેમને ગાળો
કાઢવા લાગ્યો હતો અને ત્રણ ચાર ઝાપટ મારી દીધી હતી અને ઝપાઝપી કરવા લાગ્યો હતો. અને
એવી ધમકી આપી હતી કે, ‘હવે આવું મચ્છીનું ભણવીશ તો તને આ શાળામાં નોકરી કરવા દઇશ નહીં
અને ગામમાં પણ રહેવા દઇશ નહીં અને કયાંય ભેગો થયો તો મારી નાખીશ.’ આથી માર મારીને ફરજમાં
રૂકાવટ કર્યાનો શિક્ષક માલદેભાઇએ ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.