દાહોદ, પંચમહાલ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં કરોડો રૂપિયાનું કૌભાંડ પકડાયા છતાં સરકાર મૌન
વિધાનસભા વિરોધપક્ષના નેતાની આગેવાની હેઠળ
કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું
અમદાવાદ,
તા.4: ગુજરાતમાં મનરેગા અને નલ સે જલ યોજનામાં મોટાપાયે કૌભાંડ થઈ રહ્યાના અનેક ખુલાસા
થયા છે. દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડના પરિવારની
સંડોવણી પણ ખુલી હતી. ત્યારબાદ પંચમહાલ, નર્મદા અને ભરૂચમાં પણ કૌભાંડ સામે આવ્યું
છે. બચુ ખાબડની સંડોવણી ખુલવા છતાં હજુ સુધી સરકારે કાર્યવાહી કરી નથી. તેથી કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી મનરેગા અને
નલ સે જલ યોજના કૌભાંડની તપાસ કરી બચુ ખાબડ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાની
આગેવાની હેઠળ ઈન્ચાર્જ પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના
કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં તેમણે જણાવ્યું
છે કે, રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓની મીલીભગતથી ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપક
અને વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય તેવી
સ્થિતિનું નિર્માણ થયું છે. સામાન્ય જનતાને દરેક સરકારી યોજનાઓ કે કામગીરી માટે દરેક
કક્ષાએ લાંચ આપી પડે છે તેવી ફરિયાદો રોજબરોજ વધતી જાય છે. સામાન્ય માણસોને ઘરઆંગણે
વર્ષના 100 દિવસ રોજગારી મળી રહે તે માટે વર્ષ 2005માં મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર
બાંયધરી યોજના(મનરેગા) બનાવવામાં આવી હતી. મનરેગા યોજના સામાન્ય માણસોને રોજગારી આપવા
નહીં પણ તંત્રની મિલીભગતથી પદાધિકારીઓ અને અધિકારીઓની તિજોરી ભરવાની યોજના હોય તેવી
સ્થિતિ ઉભી થઈ છે. દાહોદ જિલ્લામાં દેવગઢબારીયા, ધાનપુર તાલુકાની તપાસમાં 100 કરોડ
કરતાં વધુનો ભ્રષ્ટાચાર થયો છે. તેમાં મંત્રી બચુ ખાબડના પરિવારની સીધી સંડોવણી બહાર
આવી છે. ભ્રષ્ટાચાર બહાર આવ્યાને ઘણા દિવસો થયા હોવા છતાં અને તેમના પુત્રો તેમજ નજીકના
લોકોની સીધી સંડોવણી સાબિત થઈ હોવા છતાં રાજ્ય સરકારે મંત્રી બચુ ખાબડને મંત્રી મંડળમાંથી
દૂર નહી કરતાં પદ અને સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારની તપાસને ગેરમાર્ગે દોરી મળતીયાઓને
બચાવી રહ્યા છે.
વિરોધપક્ષના
નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, પંચમહાલ જિલ્લામાં જાંબુધોડા તાલુકામાં પણ 26 ગામોમાં
42 હજારની વસતીમાં ચાર વર્ષમાં 300 કરોડના મનરેગામાં કામો બતાવી 80 ટકા મટીરીયલ અને
20 ટકા લેબર ખર્ચ બતાવી જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ અને તેમના પરિવારના લોકોને એજન્સીઓ
દ્વારા 100 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યાની પુરાવા સહિતની ફરિયાદો કરવા છતાં કોઇ તપાસ થતી
નથી. સરકાર પોતાના મળતીયાઓને બચાવી રહી છે. સમગ્ર રાજ્યમાં મનરેગાના ભ્રષ્ટાચારની તપાસ
માટે ન્યાયિક અને સંવિધાનિક પદ ઉપર બેઠેલા તટસ્થ લોકોની એસઆઇટી બનાવવામાં આવે. મનરેગાના
કૌભાંડની જેમ રાજ્યમાં ‘નલ સે જલ’ યોજનામાં પણ કરોડો રૂપિયાનું કૌભાંડ છે.