• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

ખેડા રેલવે સ્ટેશન પર 4 કરોડની કિંમતના 2.90 કિલો સોનાની સનસનાટી ભરી લૂંટ

પીઆઇ ગઢવીએ જીવનાં જોખમે ચાલુ કારનો દરવાજો પકડી લીધો, આરોપીઓએ તેમને અડધો કિલોમીટર સુધી ઢસડયા છતાં અસાધારણ હિંમત દાખવી કાર રોકી દીધી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 4 : ખેડા રેલવે સ્ટેશન પર બનેલી રૂ. 4 કરોડની 2.90 કિલો સોનાની સનસનાટીભરી લૂંટનો ભેદ અમદાવાદ ગ્રામ્ય અને રેલવે પોલીસે ગણતરીનાં કલાકોમાં જ ઉકેલી કાઢયો છે. ઘટના સમયે ભોગ બનનારે હિંમત દાખવી આરોપીઓની કારનો ફોટો પાડી લીધો હતો, જેના આધારે જીઆરપીએ સીસીટીવી ચકાસી સ્ટેટ કન્ટ્રોલ રૂમને એલર્ટ કર્યો હતો. આ માહિતી મળતાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસે રૂટ માપિંગ અને એસડીઆર લોકેશન દ્વારા તપાસ શરૂ કરી હતી, જેમાં બનાસકાંઠા કનેક્શન અને ટિયાગો કારની સાથે નંબર પ્લેટ વગરની બલેનો કાર હોવાનો પણ ખુલાસો થયો હતો.

પોલીસે સાચાણા અને વિરમગામ તરફ નાકાબંધી ગોઠવી વિરમગામ ટાઉનમાં પ્રવેશે તે પહેલાં ટ્રક અને અન્ય વાહનો આડા મૂકી રસ્તો બ્લોક કરી દીધો હતો અને બલેનો કારના એક આરોપીને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપી મારફતે કુનેહપૂર્વક ટિયાગો કારમાં સોના સાથે આગળ નીકળી ગયેલા અન્ય ત્રણ આરોપીનું લોકેશન મેળવી તેમને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. પોલીસે ટિયાગો કારને કોર્ડન કરતાં ભાગવા જતાં આરોપીઓએ પીઆઇ એસ. એ. ગઢવીની ગાડી સાથે ટક્કર મારી હતી અને રિવર્સમાં કાર ભગાવી હતી.

આ દરમિયાન પીઆઇ ગઢવીએ જીવના જોખમે ચાલુ કારનો દરવાજો પકડી લીધો હતો અને આરોપીઓએ તેમને અડધો કિલોમીટર સુધી ઢસડયા હોવા છતાં અસાધારણ હિંમત દાખવી ગાડીનો દરવાજો ખોલી, સ્ટિયરિંગ પર કાબૂ મેળવી હેન્ડબ્રેક ખેંચી કાર રોકી દીધી હતી. પોલીસે તરત જ કારમાંથી આરોપીઓને ઝડપી લીધા હતા અને ખેતરમાં ભાગી ગયેલા એક અન્ય આરોપીને પણ કોર્ડન કરીને પકડી પાડયો હતો. બલેનો કારના સીટ કવરની અંદરથી લૂંટાયેલું 100% મુદ્દામાલ એટલે કે રૂ. 4 કરોડનું સોનું તથા ગુનામાં વપરાયેલી બન્ને કાર જપ્ત કરવામાં આવી છે. પીઆઈ ગઢવીની બહાદુરી અને સંયુક્ત ટીમની ઝડપી કામગીરી બદલ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક