રોંગ સાઇડથી આવેલી કારે સામેથી આવતી કારને મારી ટક્કર : સુરતના જાણીતા બિલ્ડર સહિત પરિવારના સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
તા.4 : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર રોંગ સાઇડ ડ્રાઇવિંગનાં કારણે ગમખ્વાર માર્ગ અકસ્માત
સર્જાયો હતો. રસ્તો ભૂલી જતાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકના દંપતીની કાર ભૂલથી
રોંગ સાઇડમાં ઘૂસી ગઈ હતી. દરમિયાન સામેથી આવી રહેલી સુરતના પરિવારની કાર સાથે તેમની
કારની જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં રોંગ સાઇડમાં ઘૂસેલી કારમાં સવાર અમરેલીના
દંપતીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે સામેથી આવી રહેલી સુરતના જાણીતા
બિલ્ડરના પરિવારની કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને પરિવાર ગંભીર રીતે ઘાયલ થયો છે.
મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકનું
દંપતી પોતાની કારમાં ગોધરા તરફથી આવી રહ્યું હતું. એક્સપ્રેસ વે પર રસ્તો ભૂલી જતાંજજજજજજઅ
તેમની કાર રોંગ સાઈડમાં પ્રવેશી ગઈ હતી. દરમિયાન
દિલ્હી
તરફ જઈ રહેલી સુરતના બિલ્ડર મુકેશભાઈ બોધરા અને તેમના પરિવારની કાર સામેથી આવી રહી
હતી. બન્ને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્મતમાં રોંગ
સાઇડમાં આવેલી કારમાં સવાર દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ગંભીરતાને પગલે
બન્નેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ, સુરતના બિલ્ડર મુકેશભાઈ બોધરા
અને તેમનાં બાળકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્મતની જાણ થતાં આસપાસના લોકો તેમજ એક્સપ્રેસવેની
પેટ્રાલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત મુકેશભાઈ બોધરા અને તેમનાં
બાળકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે
પહોંચી અમરેલીના દંપતીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે અકસ્માતે
મૃત્યુનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.