• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ

આગામી એક સપ્તાહ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.19 : સપ્ટેમ્બરના અંતથી લઈને ઓક્ટોબર અને નવેમ્બર મહિના સુધી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે, ખાસ કરીને નવરાત્રીના સમયગાળા દરમિયાન વરસાદ અને વાદળછાયા વાતાવરણની શક્યતા હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે ખેલૈયાઓની ચિંતા વધી શકે છે.

       હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ, 22 સપ્ટેમ્બર સુધી ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. ત્યારબાદ 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે સારો વરસાદ પડી શકે છે. આગામી 5 ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ખેડૂતોએ પણ પોતાના પાકની સાચવણી માટે સાવચેત રહેવું જરૂરી બની જશે.

       ખાસ કરીને 10 ઓક્ટોબર બાદ અરબ સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા ઊભી થઈ શકે છે. 14 ઓક્ટોબરે વાતાવરણમાં પલટો આવે તેમ છે અને 17 ઓક્ટોબરે દરિયામાં ઊંચા મોજા તેમજ ભારે પવન ફૂંકાઈ શકે છે. નવરાત્રીના દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ પડવાની સંભાવના છે. એટલું જ નહીં, નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

       દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આવતી કાલે 20 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.

રાજ્યમાં મોસમનો સરેરાશ 88 ટકા વરસાદ વરસ્યો

       રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન કુલ એકંદર 31 ઇંચ વરસાદ નોંધાયો છે, જે રાજ્યના મોસમના સરેરાશ વરસાદની સામે 88 ટકા જેટલો થાય છે. ઝોન વાઇઝ સ્થિતિ જોતાં, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113.52 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 88.57 ટકા, ઉત્તર ગુજરાતમાં 70.33 ટકા, સૌરાષ્ટ્રમાં 67.86 ટકા અને કચ્છ ઝોનમાં 57.16 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમ 96 ટકા ભરાયો

       સરદાર સરોવર નર્મદા ડેમ કુલ સંગ્રહ ક્ષમતાના 96 ટકા જેટલો ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 70.49 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં હાલ 30 ડેમ 100 ટકા ભરાયેલા છે, 38 ડેમ 70થી 100 ટકા, 25 ડેમ 50થી 70 ટકા, 40 ડેમ 25થી 50 ટકા અને 73 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે. જળસંગ્રહના આધારે 45 ડેમ હાઇ એલર્ટ, 13 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક