ભરતી-ઓટ વચ્ચે 858.75 મીટરનો બ્રિજ બન્યો; વડોદરા-સૌરાષ્ટ્રનું આર્થિક જોડાણ ફરી મજબૂત થશે
અમદાવાદ, વડોદરા, તા.19 : વડોદરા
અને આણંદ જિલ્લાને જોડતા મહત્ત્વના ગંભીરા બ્રિજનું કામ માત્ર 12 માસમાં પૂર્ણ કરીને
માર્ગ અને મકાન વિભાગે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. મહી નદીમાં દરિયાની ભરતી-ઓટના
કારણે પાણીના પ્રવાહમાં સતત વધઘટ થતી હોવા છતાં 858.75 મીટર લાંબો નવો બ્રિજ સમયમર્યાદામાં
તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આવતીકાલે તા.20ને રવિવારે
વરણામા ખાતે યોજાનારા કાર્યક્રમમાં તેનું લોકાર્પણ કરાશે.
ગંભીરા બ્રિજ તૂટયા બાદ રાજ્ય
સરકારે ઘટનાને ગંભીરતાથી લઈ રાજ્યના વિવિધ બ્રિજની ચકાસણી કરાવી હતી. મુજપુર-ગંભીરા
વચ્ચે નવા બ્રિજ માટે એક પખવાડિયામાં વહીવટી મંજૂરી અપાઈ હતી. દરમિયાન વિદ્યાર્થીઓ
અને નોકરિયાત વર્ગની મુશ્કેલી દૂર કરવા જૂના બ્રિજ પર લોખંડનું સ્ટ્રક્ચર મૂકી બાઇક
માટે માર્ગ ફરી શરૂ કરવા રૂ.9 કરોડ મંજૂર કરાયા હતા. નવા બ્રિજમાં કુલ 23 પિયર બનાવવામાં
આવ્યા છે. ભરતી-ઓટ વચ્ચે કામ કરવું પડકારરૂપ હોવા છતાં ટેક્નોલોજી અને સતત કામગીરીથી
બાંધકામ પૂર્ણ થયું. મુખ્યમંત્રી પોતે દર 15 દિવસે પ્રગતિની સમીક્ષા કરતા હતા.
વરણામાના કાર્યક્રમમાં વડોદરા
શહેર-જિલ્લાને કુલ રૂ.1,273 કરોડના વિકાસ કામોની ભેટ મળશે. તેમાં ગંભીરા બ્રિજ ઉપરાંત
ફતેગંજ-કમાટીબાગ નજીક રૂ.25 કરોડથી વધુના ખર્ચે બનેલા ડો.બાબાસાહેબ આંબેડકર મેમોરિયલનું
પણ લોકાર્પણ થશે. બ્રિજ માટે રૂ.212 કરોડથી વધુ ખર્ચ થયો છે. બ્રિજ શરૂ થતાં વડોદરા-સૌરાષ્ટ્ર
વચ્ચેનું આર્થિક જોડાણ ફરી સુગમ બનશે.