દેશના 10 રાજ્યના 193 જિલ્લા અને 1,159 જેટલાં ગામડાંઓમાંથી પસાર થશે યાત્રા
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.18 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી
તરીકે સેવા અને સમર્પણના અવિરત 25 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે 17મી, સપ્ટેમ્બરથી
દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ શરૂ થયું છે. આ અભિયાન અંતર્ગત ‘વડનગરથી વારાણસી’ અને
‘વારાણસીથી વડનગર’ એમ બે ઐતિહાસિક બાઈક સેવા યાત્રાનો પ્રારંભ થયો છે.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ આ યાત્રાના 10 રૂટ પૈકીના એક રૂટ પરની યાત્રા અમદાવાદ જિલ્લાના સાણંદ આવી પહોંચી ત્યારે સ્વયં બાઈક ચલાવીને યાત્રામાં
પ્રતીક રૂપે જોડાયા હતા. જુદા-જુદા 10 રૂટ પરથી આ યાત્રા પસાર થઈને વડાપ્રધાનની 25
વર્ષની અવિરત જનસેવા સાધનાની સફળતા અને વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડશે.
કેન્દ્રીય
ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે વડાપ્રધાનના
જન્મ દિવસે આ બાઈક સેવા યાત્રાનું વડનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. વડનગરથી
વારાણસી સુધીની આ બાઈક યાત્રા દેશના 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1,159 જેટલાં ગામડાંઓમાંથી
પસાર થઈને અંદાજે 40,000 કિલોમીટરનું અંતર કાપશે.