આર્થિક સંકડામણના કારણે પાંચ
વર્ષની પુત્રીને ગૂંગળાવી પિતાએ ગળાફાંસો ખાઈ લીધાનું ખૂલ્યું
અમરેલી, સાવરકુંડલા, તા.17 :
સાવરકુંડલા તાલુકાના હાડિડા ગામે પિતા-પુત્રીના મૃત્યુની કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં
અરેરાટી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આર્થિક સંકડામણ વચ્ચે પિતાએ પોતાની પાંચ
વર્ષની પુત્રીના મૃત્યુ બાદ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની વિગતો સામે આવી છે.
જોકે, પુત્રીના મૃત્યુનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ ચાલુ હોવાથી
હાલ કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું છે.
મળતી માહિતી મુજબ હાડિડા ગામે
રહેતા કિશોરભાઈ નાથાભાઈ ઘાણક બાંધકામની સાઈડ પર સુપરવાઈઝર તરીકે કામ કરતા હતા. તેમની
પત્ની મંજુબેન બહારગામ ગયેલા હતા ત્યારે કિશોરભાઈ અને તેમની પાંચ વર્ષની પુત્રી હિમાંશી
ઘરે એકલા હતા. આ દરમિયાન બપોરના આશરે 2થી 6 વાગ્યા વચ્ચે ઘરમાં દુ:ખદ ઘટના બની હોવાનું
જાણવા મળ્યું છે. પુત્રીની હત્યા બાદ કિશોરભાઈએ પણ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની
પ્રાથમિક માહિતી છે.
ઘટનાની જાણ થતાં પરિવારજનો તથા
આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ સાવરકુંડલા રૂરલ પોલીસની ટીમ તેમજ
મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી પંચનામા
સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. બંને મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે
ભાવનગર લઈ જવાયા હોવાનું જાણવા મળે છે.
આ મામલે મૃતક હિમાંશીની માતા
મંજુબેન કિશોરભાઈ ઘાણકની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં
આર્થિક સંકડામણ બાબત સામે આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે. જોકે, મૃત્યુનું
ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. પિતા-પુત્રીના
એકસાથે મૃત્યુથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડયો છે અને હાડિડા ગામમાં શોકનો માહોલ
છવાયો છે.