જોરદાર તેજી બાદ સ્ટોક મર્યાદા, ક્વોટા અને કરમુક્ત આયાત જેવા સરકારના કડક પગલાથી ખાંડ સસ્તી બની
(ફૂલછાબ
ન્યૂઝ)
રાજકોટ,
તા.15 : ખાંડમાં ઐતિહાસિક તેજી બાદ જોરદાર ઘટાડો નોંધાતા લોકોને રાહત મળી છે. ઓગસ્ટ
મહિનામાં ખાંડનો છૂટક ભાવ રૂ.70-72ની રેકોર્ડબ્રેક સપાટીએ આંબી ગયા બાદ 21 દિવસમાં
રૂ. 16નો ઘટાડો નોંધાયો છે. તહેવારો પૂર્વે ખાંડમાં તેજી અટકાવવા સરકાર દ્વારા સ્ટોક
મર્યાદા, ક્વોટા અને કરમુક્ત આયાત જેવા કડક પગલાને લીધે ખાંડ સસ્તી બની છે.
ખાંડના
ભાવમાં ઓગસ્ટ મહિનામાં એકાએક જોરદાર તેજી થઈ ગઈ હતી. છૂટક બજારમાં પ્રતિકિલો રૂ.50થી
નીચે ભાવ ચાલી રહ્યો હતો. જોકે અલનીનોની અસરથી ઓછા વરસાદને લીધે શેરડીનું ઉત્પાદન ઘટવાના
ફફડાટથી ખાંડમાં તેજી ચાલુ થઈ હતી. એકધારી તેજીને લીધે ગત તા.21 ઓગસ્ટના છૂટક બજારમાં
ખાંડનો ભાવ રૂ.72 સુધી રેકોર્ડ સ્તરે આંબી ગયો હતો.
ખાંડમાં
ઐતિહાસિક તેજી થઈ જતા લોકોમાં ઉહાપોહ મચી ગયો હતો. જેથી અંતે સરકાર દ્વારા ભાવને કાબૂમાં
લેવા કડક વલણ અપનાવ્યું હતું. ખાંડ મિલો માટે સ્ટોક મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ
કરી નાંખી હતી. આ ઉપરાંત મહિનાના ક્વોટાની જગ્યાએ 15 દિવસનો ક્વોટા ફાળવવામાં આવ્યો
હતો. જ્યારે ખાંડનો પૂરવઠો સરળ બનાવવા અને 10 લાખ ટન જેટલી ખાંડની કરમુક્ત આયાતને મંજૂરી
આપવામાં આવી હતી. સરકારના કડક વલણ બાદ ખાંડમાં ઝડપી ઘટાડો નોંધાયો હતો. સર્વોચ્ચ ટોચેથી
26 દિવસમાં છૂટક ભાવમાં રૂ.16 ઘટી ગયા હતા. ગુજરાતમાં જથ્થાબંધ ભાવ કિલોએ રૂ. 47-48
થઈ ગયો છે જ્યારે રિટેઈલ દુકાનોમાં ખાંડ રૂ. 55-56માં વેચાઈ રહી છે. આગામી દિવસોમાં
નવરાત્રી, દશેરા, દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. જે સમયગાળા દરમિયાન મીઠાઈ અને
ખાંડનો વપરાશ વધતો હોય છે. ત્યારે તહેવારો પૂર્વે ખાંડના ભાવ નીચા આવતા લોકોને રાહત
મળી છે.
બીજી
તરફ તેજીના માહોલમાં વધુ તેજી થવાની ધારણાએ ઉંચા ભાવે ખાંડનો સ્ટોક કરી લીધેલા વેપારીઓને
ખોટ ખાવાનો વારો આવ્યો છે.