• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

અમદાવાદ સેશન્સ કોર્ટે ‘નીટ’ પેપર કૌભાંડના આરોપીના જામીન ફગાવ્યા આકાશ ઉર્ફે પપ્પુલાલ મીણાએ રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.15 : મેડિકલમાં અભ્યાસ માટે હાથ ધરાયેલી નીટ પરીક્ષાના પેપર લીક કૌભાંડના આરોપીની જામીન અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આરોપીને જામીન પર મુક્ત કરવાથી ટ્રાયલ પ્રક્રિયાને અસર પડી શકે છે તેવું કોર્ટે નોંધ્યું હતું.

અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આકાશ ઉર્ફે પપ્પુલાલ મીણાની રેગ્યુલર જામીન માટેની અરજીને ફગાવી દીધી હતી. ન્યાયાધીશના મતે આરોપી આકાશ સંગઠીત ગુનાહિત ટોળકીનો હિસ્સો હોવાનું જણાય છે. મેડિકલમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓના બહોળા હિતને ધ્યાનમાં રાખીને આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં તેવું કોર્ટે અવલોકન કર્યું હતું. 

આકાશ ઉર્ફે પપ્પુલાલ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બીએનએસ તેમજ આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસમાં જણાયું હતું કે આરોપીએ ટેલીગ્રામ ચેનલ મારફતે એક નેટવર્ક ઊભું કરીને નીટ પરીક્ષાનું પ્રશ્નપત્ર તેની પાસે હોવાનો ભ્રામક પ્રચાર કર્યો હતો. 

સરકાર પક્ષે વકીલે જામીન અરજીનો કડક વિરોધ કર્યો હતો અને કોર્ટને જણાવ્યું હતું કે, ઠગ ટોળકી દ્વારા પેપર આપવાના બહાને લોકો પાસેથી રૂ. 60 હજારથી લઈને રૂ. 10 લાખ એકત્ર કર્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક