• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

વનરાજિ પણ જરૂરી છે, વિકાસ પણ જોઈએ : મુખ્યમંત્રી

ભારતમાં પ્રથમ વખત ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનૉમી ફોરમ-2026’નો ગાંધીનગરમાં પ્રારંભ

પર્યાવરણના રક્ષણ સાથે ઔદ્યોગિક વિકાસ જરૂરી

(ફૂલછાબ ન્યૂઝ)

અમદાવાદ,તા.15 :  પર્યાવરણને નુક્સાન પહોંચાડ્યા વિના ઔદ્યોગિક વિકાસને આગળ વધારવો જોઇએ. પર્યાવરણના સંરક્ષણ સાથેનો વિકાસ પૂરકને બદલે પ્રાથમિક ગણવો જોઇએ તેવી વાત ગાંધીનગરમાં વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી  ફોરમ 2026ને સંબોધતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી હતી.

ભારતમાં પ્રથમ વખત ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનૉમી ફોરમ-2026’ નો મહાત્મા મંદિરમાં આરંભ થયો છે, જે 18 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ચાર દિવસીય વૈશ્વિક આયોજનમાં વિશ્વના 66 દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ, વૈજ્ઞાનિકો, 200 થી વધુ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને 55 વક્તાઓએ ભાગ લીધો છે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે 125થી વધુ સ્ટોલ્સ ધરાવતાં વિશેષ ’સર્ક્યુલરિટી એક્સ્પો’ નું ઉદ્ઘાટન કરી નિરીક્ષણ કર્યું હતુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મંદિરને સર્ક્યુલર ઇકોનોમીના ઉત્તમ ઉદાહરણ તરીકે રજૂ કરતાં જણાવ્યું કે મંદિરમાં અભિષેકના પવિત્ર પાણી-પ્રવાહીને શુદ્ધ કરી ‘સોમ-ગંગા-જળ’ તરીકે ભક્તો સુધી પહોંચાડવામાં આવે છે. ફૂલ અને જૈવિક કચરામાંથી ખાતર તથા પ્લાસ્ટિક કચરામાંથી પેવર બ્લોક બનાવી સ્થાનિક સખી મંડળની મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવે છે.  તેમણે ઉમેર્યું હતું કે, વનરાજિ જરૂરી છે સાથે વિકાસ પણ જોઈએ.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે ભારત માટે સર્ક્યુલર ઇકોનોમી નવી વિચારધારા નથી તે આપણી સદીઓ જૂની સંસ્કૃતિ અને જીવનશૈલીનો અભિન્ન હિસ્સો છે. ‘વસ્તુ બદલતા પહેલાં સમારકામ અને કચરો બનતા પહેલાં પુન‘ઉપયોગ‘ એ ભારતીય જનજીવનનો સહજ મંત્ર રહ્યો છે. આ પરંપરાગત જ્ઞાનને આધુનિક વ્યવસ્થા સાથે જોડવા માટે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ હેઠળ પ્લાસ્ટિક, ઈ-વેસ્ટ, બેટરી અને ક્રેપ મેટલના વ્યવસ્થાપન માટે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી (ઇપીઆર) જેવી મજબૂત કાયદાકીય પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે. આ ફોરમ ’વસુધૈવ કુટુંબકમ્’ ના વિચારને સાકાર કરી સમગ્ર માનવજાતના ટકાઉ ભવિષ્યની દિશા નક્કી કરશે.

 

કચરાના પુન: ઉપયોગથી કરોડો ડોલરની ઉપજ થાય

ભારતમાં કચરાના પુન: ઉપયોગથી 2050 સુધીમાં 2 ટ્રિલિયન ડોલરની ઉપજ થવાનો અંદાજ છે તેમ આ ફોરમમાં ચર્ચા દરમિયાન તારણ નીકળ્યું હતુ. ફોરમમાં કચરાને માત્ર નિકાલ કરવાની સમસ્યા તરીકે નહીં પરંતુ તેને ફરીથી સંસાધનમાં પરિવર્તિત કરી નવી આર્થિક તકો ઊભી કરવાની દિશામાં ચર્ચા થઈ હતી. રિસાયક્લિગ, રિયૂઝ, વેસ્ટ મેનેજમેન્ટ અને કચરામાંથી મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવવાના ક્ષેત્રમાં વૈશ્વિક સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે.  ભારતમાં હાલમાં પરાયેલી વસ્તુઓ કચરામાં રૂપાંતરિત થયા બાદ માત્ર આશરે 20 ટકા કચરાનું રિસાયક્લિગ થાય છે. આ સ્થિતિમાં સુધારો કરવામાં આવે તો પર્યાવરણ સંરક્ષણ સાથે વિશાળ આર્થિક તકો ઊભી થઈ શકે છે. અંદાજ મુજબ ભારતમાં રિસાયકલ કરાયેલા કચરામાંથી બનેલા મૂલ્યવર્ધિત ઉત્પાદનોનું બજાર વર્ષ 2050 સુધીમાં $2 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક