રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના
મુજબ સમાન માનસિક સ્વાસ્થ્ય નીતિ તૈયાર કરી તેનો અમલ કરવાનો રહેશે
ગાંધીનગર, તા. 14: રાજ્યની શાળાઓ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના
માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણને વધુ અસરકારક બનાવવા માટે નવી વ્યવસ્થા અમલમાં
મૂકવામાં આવી છે. શાળા સંચાલન દ્વારા ઉમ્મીદ માર્ગદર્શિકા, મનોદર્પણ પહેલ અને રાષ્ટ્રીય
આત્મહત્યા નિવારણ વ્યૂહરચના મુજબ સમાન માનસિક સ્વાસ્થ્ય નીતિ તૈયાર કરી તેનો અમલ કરવાનો
રહેશે. આ નીતિમાં દર વર્ષે જરૂરી સુધારા કરી તેને શાળાના નોટિસ બોર્ડ તેમજ સત્તાવાર વેબસાઇટ પર કાયમી ધોરણે દર્શાવવાની
રહેશે.
વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક અને
કારકિર્દી સંબંધિત અયોગ્ય દબાણ ઓછું થાય તે માટે શાળાઓમાં નિયમિત અને વૈજ્ઞાનિક કારકિર્દી
માર્ગદર્શન તથા કાઉન્સાલિંગની વ્યવસ્થા કરવી પડશે. વિદ્યાર્થીઓની ક્ષમતા, રસ, વ્યક્તિત્વ
અને જીવનલક્ષ્યોને અનુરૂપ શૈક્ષણિક, વ્યાવસાયિક, કૌશલ્ય આધારિત તેમજ ઉદ્યોગસાહસિક વિકલ્પો
અંગે યોગ્ય માર્ગદર્શન આપવાનું રહેશે.
વિદ્યાર્થી ગંભીર માનસિક તણાવ અથવા કટોકટીની સ્થિતિમાં હોય ત્યારે તેને એકલો
ન છોડવા, તાત્કાલિક શાંત અને સુરક્ષિત સ્થળે લઈ જવા તથા ભાવનાત્મક સહાય અને આશ્વાસન
આપવા સૂચના આપવામાં આવી છે. જરૂરી જણાય તો તબીબી અથવા ઇમરજન્સી સેવાઓની વ્યવસ્થા કરવાની
રહેશે. આવી સ્થિતિમાં વાલી અથવા વાલીને સંવેદનશીલતા અને ગોપનીયતા જાળવીને જાણ કરવાની
રહેશે. ત્યારબાદ કાઉન્સાલિંગ, જરૂરી રેફરલ અને ફોલોઅપની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવાની
રહેશે.
શાળા સ્તરે સ્કૂલ વેલનેસ ટીમ
(એસડબલ્યુટી) જેવી સહાય વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. ટીમના સભ્યોમાં વિદ્યાર્થીઓ સાથે
સારા સંબંધો ધરાવતા, અસરકારક સંવાદ કરી શકે તેવા, વિશ્વસનીય અને સંવેદનશીલ વ્યક્તિઓને
પ્રાધાન્ય આપવાનું રહેશે. એસડબલ્યુટીની કામગીરી અને અસરકારકતાની દર વર્ષે સમીક્ષા કરવી
પણ ફરજિયાત રહેશે. સાથે જ શાળા સ્તરે ‘મનો-મિત્ર’ પિયર સપોર્ટ વ્યવસ્થા ઊભી કરવાની
રહેશે.