નાયરા રિફાઇનરી અને જામનગર સુધી ડ્રોન હુમલાની ધમકી : ખાલિસ્તાનનાં નામનો ઉલ્લેખ કરી ધમકીભર્યો ઇ-મેઇલ કરાયો
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.15 : ગુજરાતના અનેક મહત્ત્વપૂર્ણ સ્થળોને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ધમકીભર્યો ઇ-મેઇલ ખાલિસ્તાની ગ્રુપનાં
નામે મોકલવામાં આવ્યો હોવાનું જણાયું છે. મેઇલમાં કેનેડાના ખાલિસ્તાની નેતાઓ અને પ્રતિબંધિત
આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલનાં નામનો ઉલ્લેખ કરાયો છે. ગાંધીનગરના મહાત્મા
મંદિરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને નિશાન બનાવવાની ધમકી ઇ-મેઇલમાં ઉચ્ચારવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાતના અત્યંત સંવેદનશીલ સ્થળોએ પણ બોમ્બ બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ કરાતા સુરક્ષા
તંત્ર દોડતું થઈ ગયું છે.આ મેઇલમાં કેનેડામાં રહેતા ખાલિસ્તાની નેતાઓનાં નામ અને બીકેઆઇ
સંગઠનના નેતાઓનાં નામનો ઉલ્લેખ કરીને ભારત સરકારને ધમકી આપવામાં આવી છે. આ મેઇલ ક્યાંથી
મોકલવામાં આવ્યો છે અને તેની પાછળ ખરેખર ખાલિસ્તાની ગ્રુપ છે કે કોઈ તોફાની તત્ત્વનું
કૃત્ય છે, તેની તપાસ ચાલી રહી છે. રાજકોટ સેશન્સ કોર્ટ, મહાત્મા મંદિર, વાડીનાર પોર્ટ,
નાયરા રિફાઇનરી અને સિક્કા પોર્ટને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી.
આ ઉપરાંત જામનગર સુધી ડ્રોન હુમલા કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.
છેલ્લા
કેટલાક મહિનાઓમાં દિલ્હી, જયપુર અને ગુજરાતની કોર્ટોને આવા ફેક ઇ-મેઇલથી ધમકી આપવાના
કિસ્સાઓ વધ્યા છે, જેમાં મોટાભાગે તપાસમાં તે અફવા સાબિત થયા છે. 10 સપ્ટેમ્બરના રોજ
ગાંધીનગર વિધાનસભા અને કોર્ટ તથા અમદાવાદની સંખ્યાબંધ સ્કૂલોને પણ બોમ્બથી ઉડાડવાની
ધમકી આપવામાં આવી હતી.
આ મામલે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે તાજેતરમાં જ
બે શખસને ઝડપી લીધા હતા ત્યારે હવે ફરીથી રાજ્યના સંવેદનશીલ સ્થળો પર બોમ્બ બ્લાસ્ટની
ધમકી આપાવમાં આવતા સાયબર ક્રાઇમ ટીમ દ્વારા આ ઇ-મેઇલનું આઇપી એડ્રેસ ટ્રેસ કરવાની કામગીરી
શરૂ કરવામાં આવી છે.