• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સિસ્ટમના કારણે વરસાદનું જોર વધવાની શક્યતા

અમદાવાદ, તા.14 : ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 14થી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ખાસ કરીને આગામી 48 કલાક દરમિયાન કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં એકસાથે અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય છે. લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ જેવી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. આગામી બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે. જોકે, ત્યારબાદ ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટવાની અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આજે ગુજરાતભરમાં વલસાડી, ભરૂચ, નવસારી, ખેડા, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે આણંદ, પંચમહાલ, મહેસાણામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ આગામી બે દિવસ દરમિયાન દરિયો ન ખેડવા માટે અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પણ ભારે વરસાદની શક્યતાવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને જરૂરી તકેદારી રાખવા જણાવાયું છે. 

દરમિયાનમાં આજે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં 10 ઇંચ વરસાદના પગલે જળબંબાકાર થઈ ગયા હતા. સતત ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા મીઠાખળી અંડર પાસ પણ થોડા સમય માટે બંધ કરાયો હતો. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ છે. અમદાવાદમાં આજે સવારથી જ વળી પાછો ધોળે દિવસે અંધારપટ છવાયેલો હોવાનો માહોલ જોવા મળ્યો છે. સતત ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ અસર પામી છે.  આ બધા વચ્ચે વાસણા બેરેજના દરવાજા 1.5 ફૂટ ખોલી નાખવામાં આવ્યા હતા. 4737 ક્યુસક પાણી નદીમાં છોડવામાં આવતા નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક