• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

જામનગર, દ્વારકા પંથકમાં વરસાદથી ખુશીની લહેર

ભાદરવા મહિનામાં મેઘરાજાની મહેરથી નિરાશા આશામાં બદલાઈ; નદી-નાળા અને જળાશયોમાં નવા નીર આવ્યા

જામનગર શહેરમાં 6 ઇંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા; સલાયા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયામાં ન જવા સૂચના

જોડિયા 3, જામજોધપુર 2.5, ધ્રોલ 2.15, લાલપુર 1.5, ડોળાસા-દ્વારકા-ખંભાળિયા 1 ઇંચ વરસાદ

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ તા.15 : સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે. જામનગર શહેર-જિલ્લાથી લઈને દેવભૂમિ દ્વારકા, કોડીનાર અને જૂનાગઢ પંથક સુધી મેઘમહેર વરસતાં ક્યાંક રસ્તાઓ જળબંબાકાર બન્યા છે તો ક્યાંક ખેતરોમાં પાણી ભરાયા છે. જામનગર શહેરમાં વહેલી સવારે ચારથી છ ઇંચ સુધીના ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા, જ્યારે ડોળાસામાં ચાર દિવસમાં 257 મીમી વરસાદથી નદીઓ-તળાવોમાં નવા નીરની આવક થતાં ખેડૂતોની ચિંતા દૂર થઈ છે. બીજી તરફ સલાયા બંદરે તોફાની દરિયાની આગાહીને પગલે 3 નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.

જામનગર : વિઘ્નહર્તાના વધામણા સાથે મેઘરાજાનું પણ આગમન થયું હતું. જામનગર શહેરમાં વહેલી સવારે ધમાકેદાર ચાર ઇંચ વરસાદ થતાં જ અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને આ વરસાદની સાથે સાથે જુદા જુદા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જિલ્લાના અનેક જળાશયોમાં વધુ નીરની આવક પણ નોંધાઇ છે. વહેલી સવારથી જ ક્યાંક ધીમીધારે તો ક્યાંય સાંબેલાધાર પર હેત વરસાવતા ધરતીપુત્રોમાં આનંદ ઉમટી હતી. શહેરમાં ગઈકાલે મોડી રાતથી આજે વહેલી સવારે છ વાગ્યા સુધીમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો જોડીયામાં ત્રણ, ધ્રોલ સવા બે, લાલપુરમાં દોઢ અને કાલાવડમાં અડધો, જામજોધપુરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ લાંબા સમયથી પાણી ઝંખતા મગફળી, કપાસ સહિતના પાકને એક પિયત સમાન પાણી મળતા આગામી  સમયમાં પાકની રંગત ખીલશે. જામનગરના કાલાવડ નાકા બહાર નવનિર્મિત ઓવરબ્રિજ નજીક વાહનવ્યવહાર માટે બનાવવામાં આવેલા વૈકલ્પિક માર્ગ પર વરસાદ બાદ મોટી અને લાંબી તિરાડો જોવા મળી છે. માર્ગની ધાર પાસે અનેક સ્થળે તિરાડો પહોળી બનતાં વાહનચાલકો માટે જોખમ ઊભું થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

ડોળાસા : ડોળાસા અને આજુબાજુના ગામોમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાની મહેર વરસી રહી છે. આ કાચા સોના જેવા વરસાદ થી આ વિસ્તાર ના ખેડૂતો ની દિશા સને દશા બદલી નાખી છે. આજે વધુ એક ઇંચ વરસાદ થયો છે. ડોળાસા વિસ્તારમા તા.12ના રોજ 44 મી.મી., તા.13ના રોજ 10 મી.મી., તા.14ના રોજ 180 મી.મી.અને આજે તા.15ના રોજ 23 મી.મી.મળી ચાર દિવસમા 257 મી.મી.વરસાદ વરસ્યો છે. જેના કારણે ડોળાસા વિસ્તારની ચંદ્રભાગા, સીમાસી ગામેથી પસાર થતી રૂપેણ, માલગામથી પસાર થતી સંગાવાડી અને માઢ નદીઓમાં અને ચીખલી ગામે આવેલા પાંચ પીપળવા ડેમમાં પાણીની આવક થઇ છે. આલિદર ગામે આવેલા પીંછવી  તળાવમાં નવા પાણીની વ્યાપક આવક થઇ છે હાલ પાણીનો પ્રશ્ન હલ થયો છે.

સલાયા : આજ સવારથી જ સલાયામાં વરસાદી વાતારવરણ જોવા મળ્યું હતું. સવારના સમયે પણ એક ઝાપટું વરસી ગયું હતું. જે બાદ સાંજે ફરી વરસાદ ચાલુ થયો હતો જે 7 વાગ્યા બાદ વધુ વરસવાનું ચાલુ થયું હતું. હાલ સલાયા બંદર ઉપર મદદનીશ મત્સ્ય ઉધોગ નિયામક કચેરી દ્વારા આજથી આગામી 5 દિવસ માટે દરિયામાં ફિશીંગ બોટોને ન જવા સૂચના અપાઈ છે. તેમજ 5 દિવસ માટે દરિયામાં જવા માટે ઇસ્યૂ કરવામાં આવતા ટોકન બંધ કરી દેવાયા છે. દરિયામાં જે બોટો ફાશિંગમાં છે એમને પણ તુરંત પરત ફરવા સૂચના અપાઈ છે. હાલ 3 નંબરનું સિગ્નલ લાગતા દરિયામાં મોટા મોજાઓ ઊછળે અને દરિયો તોફાની બને એવું આ સિગ્નલ સૂચવી રહ્યું છે.

જામ ખંભાળીયા : દ્વારકા જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદી વાતાવરણ વચ્ચે જિલ્લામાં પોણાથી બે ઇંચ જેટલો વરસાદ પડતાં સર્વત્ર રાહત થઈ ગઈ હતી તથા ખેડુતોને પાક થોડો બચવાની આશા બંધાઈ હતી. આજ સાંજ 6 વાગ્યાસુધી દ્વારકામાં 20મીમી, ખંભાળીયામાં 22મીમી, કલ્યાણપુરમાં 1 મીમી અને ભાણવડમાં 4 મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લાના ખૂબ જ ઓછા વરસાદ વાળા કલ્યાણપુર તાલુકાના કેનેડી, ખાખરડા, કલ્યાણપુર, ગઢકા, પટેલકા, ટીટોડી, રાજપરા પાનેલી વિ. ગામોમાં પણ વ્યાપક વરસાદ સાથે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. 

જૂનાગઢ : સોરઠમાં છેલ્લા બે દિવસ સાર્વત્રિક સારા વરસાદ બાદ આજે ત્રીજા દિવસે વરસાદી વાતાવરણ વચ્ચે ગિરનાર પર્વત પર અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જુનાગઢ સહિત જિલ્લાભરમાં હળવા ઝાપટા પડ્યા હતા. ઝરમરિયા વરસાદ વચ્ચે વાદળોએ પર્વતને આલીગન કરતા આહલાદક વાતાવરણ છવાયું હતું. વનરાયો પણ સોળે કળાએ ખીલી ઉઠી હતી અને કાશ્મીર જેવો માહોલ સર્જાયો હતો. પ્રવાસીઓએ આ વાતાવરણનો ભરપૂર આનંદ માણ્યો હતો.  સવંત્સરીની રજા અને વરસાદી વાતાવરણ વચ્ચે ગિરનાર પર્વતની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ રોપને  અને પગથિયા દ્વારા પહોંચી  આ આહલાદક વાતાવરણનો નજારો નિહાળી જાણે આકાશમાં લટાર મારતા હોય તેવી અનુભૂતિ કરી હતી. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક