ઉપરના સ્તરેથી સેન્સેક્સમાં 1433 અને નિફ્ટીમાં 474 પોઇન્ટનો ભૂકંપ
ક્રૂડના
સળગતા ભાવ, અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં વધારો અને ઇન્ડિયા વિક્સમાં ઉછાળો શેરબજારને
મંદીમાં તાણી ગયા
નવી
દિલ્હી, તા.1પ: મંગળવારનો દિવસ ભારતીય શેરબજાર માટે અમંગળ બની ગયો હોય તેવી ધ્રાસકો
પાડી દેતી મંદી જોવા મળી હતી. જબરદસ્ત ઉછાળા સાથે ખુલેલા શેરબજારમાં શરૂઆતથી શરૂ થયેલો
વેચાણનો સિલસિલો કારોબારી દિવસનાં અંત સુધી બરકરાર રહ્યો હતો અને જેમાં સેન્સેક્સ ખુલેલા
ભાવથી 1433 પોઈન્ટ અને નિફ્ટી ઉપરનાં સ્તરેથી 474 પોઈન્ટનાં ભૂકંપ જેવા ઘટાડા સાથે
બંધ આવ્યા હતાં.
સવારના
સત્રમાં બજાર ખુલતા સાથે રોકાણકારોને લાગ્યું હતું કે ગયા સપ્તાહનો ઘટાડો હવે અટકી
ગયો છે પરંતુ તેમનો આ આનંદ થોડી જ વારમાં તણાવમાં ફેરવાઈ ગયો હતો. શરૂઆતમાં જોરદાર
તેજી સાથે ખૂલેલા સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ થોડી જ વારમાં પત્તાના મહેલની જેમ
તૂટી પડયા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ઇન્ડેક્સ ટ્રાડિંગના
અંતે 777 પોઈન્ટ ઘટીને 74,003 ની સપાટી પર બંધ થયો હતો. જોકે, દિવસ દરમિયાન તેણે બનાવેલી
ઉચ્ચતમ સપાટીથી ગણતરી કરીએ તો સેન્સેક્સમાં 1,433 પોઈન્ટનો જંગી કડાકો નોંધાયો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શેરો ધરાવતો નિફ્ટી ઇન્ડેક્સ તેના અગાઉના 23,398 ના બંધ
સ્તર સામે મજબૂતી સાથે 23,576 પર ખૂલ્યો હતો. એક તબક્કે તે 23,592 ની ટોચે પહોંચ્યો
હતો, પરંતુ ત્યારબાદ ભારે વેચવાલી આવતા તે દિવસની ટોચથી 474 પોઈન્ટ ગગડીને 23,118 ના
સ્તરે બંધ રહ્યો હતો.
શેરબજારમાં
એકાએક આવેલા આ કડાકા પાછળ કોઈ એક જ કારણ જવાબદાર નથી, પરંતુ વૈશ્વિક અને સ્થાનિક એમ
ઘણા પરિબળોએ સાથે મળીને બજારનું સેન્ટિમેન્ટ બગાડયું છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને
ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ અને મધ્ય પૂર્વના યુદ્ધ સંકટને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠા
સામે મોટું જોખમ ઊભું થયું છે. આ ભૌગોલિક-રાજકીય તણાવને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં
બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ રૂપિયા 107ની સપાટી વટાવી ગયો છે. ભારત પોતાની
જરૂરિયાતનું મોટું ક્રૂડ આયાત કરે છે, તેથી ઓઇલના વધતા ભાવ દેશમાં ફુગાવાનું (મોંઘવારીનું)
જોખમ વધારે છે, જેણે રોકાણકારોની ભાવના નબળી પાડી છે.
શેરબજારમાં
નોંધપાત્ર ઘટાડા પાછળનું બીજું મુખ્ય કારણ અમેરિકાના અર્થતંત્ર સાથે જોડાયેલું છે.
અમેરિકાની 10 વર્ષની બેન્ચમાર્ક બોન્ડ યીલ્ડ વધીને 5% ની સપાટીએ પહોંચી ગઈ હતી. ઓક્ટોબર
2023 પછી આ પ્રથમ વખત છે જ્યારે યીલ્ડ આટલા ઊંચા સ્તરે પહોંચી છે. 10 વર્ષની બોન્ડ
યીલ્ડને વૈશ્વિક બેન્ચમાર્ક માનવામાં આવે છે. જ્યારે યીલ્ડ વધે છે, ત્યારે વિદેશી રોકાણકારો
ભારત જેવા ઇમર્જિંગ માર્કેટમાંથી નાણાં પાછા ખેંચીને સુરક્ષિત બોન્ડમાં રોકે છે. પાછલા
ટ્રાડિંગ દિવસે યુએસ શેરબજારમાં પણ મોટો ઘટાડો થયો હતો, જેની સીધી અસર મંગળવારે ભારતીય
બજાર પર પડી હતી.
મંગળવારે
બજારમાં આઈટી સેક્ટર સિવાય લગભગ તમામ મોટા સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બજારમાં
ગભરાટનું ત્રીજું મુખ્ય કારણ ઇન્ડિયા વિક્સમાં આવેલો અચાનક ઉછાળો છે. આ ઇન્ડેક્સને
બજારના ‘ભય માપક’ તરીકે ઓળખવામાં આવે છે. વૈશ્વિક તણાવ વચ્ચે તેમાં લગભગ 6% નો મોટો
વધારો નોંધાયો અને તે 13 નો આંકડો પાર કરી ગયો. આ દર્શાવે છે કે રોકાણકારોમાં ડરનો
માહોલ છે અને આગામી દિવસોમાં બજારમાં હજુ વધુ વોલેટિલિટી અને વેચવાલી જોવા મળી શકે
છે.
મોંઘવારીનો
વધુ એક ફટકો મારશે ચોખા?
અપૂરતા
વરસાદનાં કારણે દેશમાં ચોખાની વાવણીમાં ઘટાડો: સામાન્ય કરતાં પુરવઠો ઘટશે
નવી
દિલ્હી, તા.1પ: પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 19 સપ્ટેમ્બર
2026થી પરત ફરવા માંડશે તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. આ સાથે જ 3 જૂનથી
શરૂ થયેલી ચોમાસાની સીઝન હવે પૂર્ણ થવાના આરે છે. આ વર્ષે 1 જૂનથી 14 સપ્ટેમ્બર દરમિયાન
દેશભરમાં સરેરાશ કરતાં 15 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ દક્ષિણ દ્વીપકલ્પીય
ભારતમાં નોંધાયો છે, જ્યાં સરેરાશ કરતાં 28 ટકા ઓછો વરસાદ થયો છે. જ્યારે પૂર્વ અને
ઉત્તર-પૂર્વ ભારતનાં રાજ્યોમાં આ ચોમાસા દરમિયાન વરસાદની અછત 25 ટકા રહી છે. આ ચોમાસાની
સીઝન દરમિયાન વરસાદની અછત પાછળનું એક મહત્ત્વનું કારણ અલનીનો છે. તેની સીધી અસર ખરીફના
મહત્ત્વના પાકોની વાવણી પર પડી છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 11 સપ્ટેમ્બર
2026 સુધી દેશમાં ખરીફ પાકોની વાવણી ગયા વર્ષની સરખામણીએ 16.05 લાખ હેક્ટર ઓછા વિસ્તારમાં
નોંધાઈ છે.
આમાં
પણ ચોખાના પાક પર સૌથી વધુ અસર થઈ છે. 11 સપ્ટેમ્બર 2026 સુધીમાં ગયા વર્ષની સરખામણીએ
ચોખાની વાવણી 16.97 લાખ હેક્ટર એટલે કે 3.82 ટકા ઘટી છે. સ્વાભાવિક છે કે ચોખાની વાવણીમાં
ઘટાડાની અસર તેના ઉત્પાદન પર પડવાની છે. તેના કારણે આ વર્ષે બજારમાં સામાન્ય રીતે કરતાં
પુરવઠો ઓછો રહેવાનું નિશ્ચિત છે. આ ચિંતાજનક આંકડા એવા સમયે સામે આવ્યા છે જ્યારે દેશમાં
જથ્થાબંધ મોંઘવારી વધી રહી છે. વાણિજ્ય મંત્રાલયે સોમવારે આંકડા જાહેર કરીને જણાવ્યું
હતું કે જથ્થાબંધ ભાવ સૂચકાંક (ડબલ્યૂપીઆઈ) આધારિત મોંઘવારી દર ઓગસ્ટ 2026માં વાર્ષિક
ધોરણે વધીને 9.92 ટકા થયો છે, જ્યારે જુલાઈમાં તે 9.78 ટકા હતો. આ આંકડાઓમાં 2022-23ને
આધાર વર્ષ માનવામાં આવ્યું છે.
આ સાથે
વૈશ્વિક હવામાન પર નજર રાખતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા વિશ્વ હવામાન સંગઠને પણ એક વૈશ્વિક
અહેવાલ જાહેર કરીને ચેતવણી આપી છે કે અલ નીનો મજબૂત રીતે સ્થાપિત થઈ ચૂક્યું છે અને
આગામી મહિનાઓમાં તે અત્યંત શક્તિશાળી ઘટનામાં પરિવર્તિત થઈ શકે છે. તેના કારણે વરસાદ
અને તાપમાનની પેટર્ન પર વ્યાપક અસર પડી શકે છે અને પૂર, દુષ્કાળ તથા અતિશય ગરમી જેવા
જોખમો ઊભા થઈ શકે છે.