• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કચ્છમાં રેડ એલર્ટ : ગીર સોમનાથ, દીવમાં યલો એલર્ટ જારી

(અમારા પ્રતિનિધિ તરફથી )

અમદાવાદ, તા. 15 : હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વીજળી અને વાવાઝોડાની પણ શક્યતા છે, જેથી નાગરિકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. જોકે, રાજ્યમાં હજુ સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન ખાતા દ્વારા આવતીકાલે કચ્છમાં રેડ એલર્ટ જારી કરી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં છે, જ્યાં સામાન્ય કરતાં હજુ પણ 25 ટકા જેટલી વરસાદની ખાધ જોવા મળી રહી છે. જોકે, હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આગામી 7 દિવસ દરમિયાન સક્રિય રહેનારી સિસ્ટમના કારણે આ ખાધ મોટા પ્રમાણમાં પૂરી થઈ જશે અને ડેમો તેમજ જળાશયોમાં નવા નીરની નોંધપાત્ર આવક થશે.

હવામાન કેન્દ્ર અમદાવાદના જણાવ્યા મુજબ, હાલ વાતાવરણમાં એકસાથે 3 મહત્વની સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં રચાયેલું લો પ્રેશર એરિયા, પશ્ચિમથી પૂર્વ તરફ લંબાયેલી મોન્સૂન ટ્રફ લાઈન અને ઉત્તર ભારતમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના હવામાન પર સીધી અસર પાડી રહ્યા છે. આ ત્રિસ્તરીય સિસ્ટમના સંયુક્ત પ્રભાવથી રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ભેજવાળા પવનો દરિયાકિનારેથી સીધા ગુજરાત તરફ ધકેલાઈ રહ્યા હોવાથી આગામી 7 દિવસ સુધી રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ તેજ બનશે. દરમિયાનમાં આવતીકાલે રાજ્યમાં અનેક સ્થળોએ 30થી 40 કિલોમીચટર પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ આજે રાજ્યમાં 95 તાલુકામાં વત્તો ઓછો વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં 6.97 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અબડાસા અને મુંદ્રામાં 2.13 અને 1.57 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બાકીના તાલુમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક