• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

વડાપ્રધાનની જનસેવાના 25 વર્ષ નિમિત્તે વડનગરથી વારાણસી સેવાયાત્રાનું આયોજન

આજથી ગુજરાતના ચાર પવિત્ર યાત્રાધામોથી વડનગર સુધી બાઈક રેલી

બીજા તબક્કામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં વડનગરમાં ભવ્ય કાર્યક્રમો યોજાશે

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.12:   વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશવ્યાપી સ્તરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વિશેષ આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં સેવા સંકલ્પ અભિયાન હાથ ધરાશે.

 17મી સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય તેના આગોતરા પર્વ રૂપે આવતીકાલે 13 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં ’વડનગરથી વારાણસી સેવાયાત્રા’ બાઈક રેલીનો પ્રારંભ કરાવાશે. રાજ્યના ચાર પવિત્ર યાત્રાધામો ખાતેથી રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓ આ બાઈક રેલીનો શુભારંભ કરાવશે જે 17 સપ્ટેમ્બરના રોજ વડનગર પહોંચશે.

રાજ્યના મંત્રી જીતુ વાઘાણી અને નરેશ પટેલ નવસારીના પવિત્ર ઉનાઈ માતાજીના મંદિર ખાતેથી આ સેવાયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જ્યારે સોમનાથ ખાતેથી મંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા યાત્રાનું પ્રસ્થાન કરાવશે. પાવાગઢ ખાતેથી રાજ્ય મંત્રી કમલેશ પટેલ પ્રસ્થાન કરવાશે. શામળાજી ખાતેથી રાજ્ય મંત્રી પ્રવીણ માળી અને પી. સી. બારંડા પ્રસ્થાન કરાવી યાત્રામાં જોડાશે.

આ અંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, 13 સપ્ટેમ્બરથી ઉનાઈ માતાના મંદિર, શામળાજી, સોમનાથ અને પાવાગઢ એમ ચાર અલગ અલગ પવિત્ર સ્થળોએથી પ્રસ્થાન પામેલી બાઈક યાત્રા 16 સપ્ટેમ્બરના રોજ વડનગર ખાતે પહોંચશે. પ્રત્યેક યાત્રામાં 25થી 30 બાઈક સવારો, એક એલઈડી વાન અને એક પવિત્ર કળશ રથ જોડાશે. યાત્રાના માર્ગમાં આવતી પવિત્ર નદીઓનું જળ આ કળશમાં એકત્રિત કરાશે. એલઈડી વાન મારફતે વડાપ્રધાનના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાત અને ભારતે સાધેલી વિકાસની અભૂતપૂર્વ યાત્રાની ઝાંખી ગામે-ગામ રજૂ કરાશે. યાત્રાના પ્રથમ તબક્કાના અંતે વડનગર ખાતે કળશમાં એકત્રિત પવિત્ર જળથી હાટકેશ્વર મહાદેવનો ભવ્ય જળાભિષેક કરાશે.

17 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે 500થી વધુ સાધુ-સંતો અને 10,000થી વધુ શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઆરતી યોજાશે. ત્યારબાદ શર્મિષ્ઠા તળાવનું જળ લઈને યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અલગ અલગ 10 રૂટ પર વડનગરથી વારાણસીની સેવાયાત્રાને ફ્લેગ ઓફ કરાવશે. આ પ્રમાણે વારાણસીથી પણ વડનગર માટે 10 કળશ યાત્રાઓ રવાના થશે. 20 દિવસની સેવાકીય યાત્રા દરમિયાન માર્ગમાં આવતી તમામ પવિત્ર નદીઓનું જળ કળશમાં સંચિત કરી બાદમાં વારાણસી ખાતે સમાપન સમયે પવિત્ર જળથી કાશી વિશ્વનાથ મહાદેવનો ભવ્ય જળાભિષેક કરી રાષ્ટ્રના કલ્યાણની પ્રાર્થના કરાશે તેમ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક