• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ગોપનાથ મેળામાં પથ્થરમારો : પોલીસ સ્ટેશનેથી ઘરે ગયેલા યુવકનું શંકાસ્પદ મૃત્યુ

ભાદરવી અમાસના મેળામાં બે પરિવારો વચ્ચે બબાલ સર્જાતા યુવકના મૃત્યુથી પરિવારજનો દ્વારા માર માર્યાનો આક્ષેપ કરાયો

ભાવનગર, તા.12: ભાવનગર જિલ્લાના ગોપનાથ ખાતે ભાદરવી અમાસના ભાતીગળ મેળામાં મરણોત્તર વિધિ અને મેળાની રંગત માણવા આવેલા ડુંડાસ અને દાઠા ગામના દેવીપૂજક પરિવારો વચ્ચે રીસામણે રહેલ પત્નીના દીકરાને ઘરે લઈ જવા બાબતે બોલાચાલી ઉગ્ર બનતા ધોકા અને છૂટા પથ્થરો ફેંકવાથી મેળામાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી, જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કેટલાક શખ્સોને રાઉન્ડ અપ કરીને દાઠા પોલીસ મથકે લઈ ગયા બાદ મોડીરાત્રે છોડી મૂક્યા હતા, પરંતુ તે દરમિયાન દાઠાના વાઘેલા પરિવારના ભગાભાઈ લાખાભાઈ વાઘેલાની તબિયત લથડતા તેમને દાઠા અને ત્યારબાદ તળાજા સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મૃતક ભગાભાઈ લાખાભાઈ વાઘેલાના પરિવારજનો દ્વારા પોલીસ દ્વારા માર મારવામાં આવવાના કારણે આ મૃત્યુ નીપજ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે અને મૃતક સાથે આવેલા અન્ય યુવાનોએ પણ વસ્ત્રો કાઢીને પોલીસ સમક્ષ ઇજાઓના નિશાન બતાવ્યા હતા, જ્યારે આ સમગ્ર મા અંગે દાઠા પોલીસ સ્ટેશનના પી.આઈ. રેવરે જણાવ્યું હતું કે મૃતદેહનું પેનલ પી.એમ કરાવવામાં આવ્યું છે અને પ્રાથમિક તારણમાં હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે, જોકે ફાઇનલ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક