• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

ઈમરાન ખેડાવાલા સામે વિશેષ અધિકાર ભંગ હેઠળ તપાસના આદેશ

ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા રાષ્ટ્રીય ગીતનું અપમાન કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.11 : ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમના કથિત અપમાન મામલે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. જમાલપુર-ખાડિયાના કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા ગૃહમાં વંદે માતરમના ગાન વખતે કરવામાં આવેલા વર્તન સામે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. અધ્યક્ષે પોતાના ઐતિહાસિક ચુકાદામાં આ સમગ્ર મામલો વિશેષ અધિકાર ભંગનો ગુનો બનતો હોવાનું જાહેર કરી સમગ્ર પ્રકરણની તપાસ વિધાનસભાની વિશેષ અધિકાર સમિતિને સોંપી દીધી છે.

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગૃહની કાર્યવાહી દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ નિયમ હેઠળ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કર્યો હતો. તેમણે ગૃહનું ધ્યાન દોર્યું હતું કે રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું ગાન ચાલી રહ્યું હતું ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા બે અંતરા બાદ બેસી જઇને વંદે માતરમ ગાનનો અનાદર દાખવવામાં આવ્યો હતો. આ ગંભીર મુદ્દા પર અધ્યક્ષે સુનાવણી હાથ ધરી હતી અને સમગ્ર ઘટનાક્રમની સમીક્ષા કર્યા બાદ પોતાનો આદેશ જાહેર કર્યો હતો.

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ગૃહમાં આપેલા ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું કે, એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા રાષ્ટ્રીય ગીતનું અપમાન કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. આ મામલે પોતાનો આખરી નિર્ણય આપતાં જણાવ્યું કે આ કેસ સીધો જ ગૃહના વિશેષ અધિકાર ભંગ હેઠળ આવે છે. આથી, સમગ્ર ઘટનાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ માટે મામલો વિધાનસભા ગૃહની વિશેષ અધિકાર સમિતિ સમક્ષ મોકલવામાં આવ્યો છે. આ સમિતિ તમામ પુરાવાઓ અને નિયમોની ચકાસણી કરીને પોતાનો અહેવાલ ગૃહ સમક્ષ રજૂ કરશે, જેના આધારે આગામી સમયમાં ધારાસભ્ય સામે શિક્ષાત્મક પગલાં લેવાઈ શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક