• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

રા.લો. સંઘની ચૂંટણીમાં ભાજપને ઝટકો : 5 બેઠક ઉપર બળવો

10 ઉમેદવાર બિનહરીફ, પરંતુ પાંચ બેઠક પર 8 સપ્ટેમ્બરે મતદાન નિશ્ચિત; મનાવવાના પ્રયાસો છતાં અસંતુષ્ટ ઉમેદવારો મેદાનમાં અડીખમ

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ,તા.27 : રાજકોટ-લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપે મોટાભાગની બેઠકો બિનહરીફ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ છેલ્લી ઘડીએ પાંચ બેઠકો પર બળવાની સ્થિતિ સર્જાતા ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અનેક ઉમેદવારોએ પક્ષની સૂચના સ્વીકારીને ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.

પક્ષ દ્વારા સત્તાવાર ઉમેદવારો નક્કી કર્યા બાદ અન્ય ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા સમજાવવામાં આવ્યા હતા. પરિણામે ચાંદલી બેઠક પરથી મનસુખ સરધારા, કોઠાપીપળીયા બેઠક પરથી સંજયભાઈ, ખાંભા બેઠક પરથી ગોપાલાસિંહ જાડેજા, સણોસરા બેઠક પરથી અશ્વિન લીંબાસિયા,

તરઘડિયા બેઠક પરથી લખમણ પરસાણા અને સાંગણવા બેઠક પરથી છગન પટોળિયા બિનહરીફ બન્યા છે. આ ઉપરાંત સરધાર બેઠક પરથી નીતિન ઢાંકેચા અને ખીરસરા બેઠક પરથી નરેન્દ્રાસિંહ જાડેજા પણ બિનહરીફ થયા છે. હડમતીયા અને મઘરવાડા બેઠક પણ બિનહરીફ થવાની સ્થિતિમાં છે. બીજી તરફ ત્રંબા, માધાપર, પાડાસણ, કુવાડવા અને ખોખડદડ બેઠક પર પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવાનો ઇનકાર કર્યો છે. ત્રંબાથી નીતિન રૈયાણી, માધાપરથી ઘોઘુભા જાડેજા, પાડાસણથી મહેશ આસોદરિયા, કુવાડવાથી અરાવિંદ રૈયાણી અને ખોખડદડથી બાબુ નશીતને પક્ષે પસંદ કર્યા છે.

આ ઉમેદવારોને બિનહરીફ બનાવવા નેતાઓ અને ઉમેદવારો દ્વારા અંતિમ ક્ષણ સુધી સમજાવટ કરવામાં આવી, છતાં પ્રયાસો સફળ રહ્યા નહીં. હવે આ પાંચ બેઠકો પર 8 સપ્ટેમ્બરે મતદાન થશે. ચૂંટણીમાં નીતિન ઢાંકેચા અને અરાવિંદ રૈયાણી જૂથ વચ્ચેના મતભેદો પણ ચર્ચામાં રહ્યા છે. પરિણામે આ ચૂંટણીના રાજકીય પડઘા આગામી સમયમાં જોવા મળી શકે છે. પક્ષ માટે હવે આ પાંચ બેઠકોનું પરિણામ ખાસ મહત્વનું બન્યું છે, કારણ કે બળવાની અસર માત્ર ચૂંટણી પૂરતી નહીં રહે તેવી ચર્ચા છે. સહકારી સંઘની અંદરની ખેંચતાણથી સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો ઊભા થવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક