• શુક્રવાર, 17 જુલાઈ, 2026

નિર્વાણ લાડુ વિવાદ : નિયત સ્થળે વિધિ કરવા જૈન સમાજ સહમત

કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને જૈન, હિન્દુ સમાજના આગેવાનોની બેઠક યોજાઈ

જૂનાગઢ, તા.15 : ગિરનાર પર્વત પર છેલ્લાં થોડાં વર્ષોથી નિર્વાણ લાડુ વિવાદ ઉભો થયો છે અને વર્ષો વર્ષ તંત્રને દરમિયાનગીરી કરવી પડે છે ત્યારે આગામી તા.20ના રોજ જૈન સમાજ દ્વારા આ વિધિ મુદ્દે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જૈન, હિન્દુ સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. તેમાં નિયત સ્થળે વિધિ કરવા જૈન સમાજે સહમતી દર્શાવી હતી. 

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં બન્ને ધર્મના પ્રતિનિધિઓ વચ્ચે મુક્ત મને ચર્ચા થઈ હતી. જૈન સમાજ દ્વારા તા.20ના નિર્વાણ લાડુ અર્પણ વિધિ નિયત દેવસ્થાન પર કરવામાં આવશે. સંતો અને આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે ગિરનાર સૌના માટે આસ્થાનું કેન્દ્ર છે અને ગિરનારની શાંતિ જાળવવીએ બધાની ફરજ છે.  આ મંથન બાદ પ્રશાસન દ્વારા નિર્દેશ અપાયો કે ગિરનારની ઐતિહાસિક અને ધાર્મિક ગરીમા જળવાઈ રહે તે સર્વોપરિ છે. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે. બન્ને ધર્મના આગેવાનોએ વહીવટી તંત્રના નિયમોનું પાલન કરવાની અને શાંતિ જાળવવાની બાંયધરી આપી હતી. જેથી આવનાર સમયમાં લાખો શ્રદ્ધાળુઓ કોઈપણ ભય કે વિવાદ વિના નિર્વિઘ્ને પોતાના આરાધ્ય દેવના દર્શન અને ભક્તિનો લાભ લઈ શકે તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક