પોરબંદર,
તા.15 (ફૂલછાબ ન્યૂઝ): પોરબંદર અને વાડીનાર હવે જહાજના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે
કાઠું કાઢશે કારણકે કેન્દ્ર સરકારે શિપબિલ્ડિંગના હબ તરીકે બન્ને શહેરોને વિકસાવવા
માટે મહત્ત્વનું કદમ ઉઠાવ્યું છે. બંદરો, શાપિંગ અને જળમાર્ગ મંત્રાલયે શિપબિલ્ડિંગ
ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ પોરબંદર જિલ્લામાં કુછડી
ખાતે ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર અને કચ્છના અખાતમાં વાડીનાર ખાતે અત્યાધુનિક શિપ
રિપેર સુવિધાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
કેન્દ્રીય
બંદરો, શાપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, ‘ગ્રીનફિલ્ડ
શિપબિલ્ડિંગ ક્લસ્ટર નેશનલ શિપબિલ્ડિંગ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક-ગુજરાત દ્વારા
વિકસાવવામાં આવશે. ગુજરાતના પોરબંદર જિલ્લાના કુછડી ખાતે આશરે 2,000 એકરમાં ફેલાયેલા
આ સંકલિત દરિયાઈ ઉત્પાદન ક્લસ્ટરમાં આધુનિક શિપયાર્ડ, આનુષંગિક ઉત્પાદન એકમો, સામાન્ય
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા વિકાસ કેન્દ્રો સામેલ હશે. આ પ્રોજેક્ટ 1.2થી 1.5 મિલિયન
ગ્રોસ ટનેજની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે મોટા વ્યાપારી જહાજોના નિર્માણ માટે ડિઝાઇન
કરવામાં આવ્યો છે.
યોજના
હેઠળ મંજૂર કરાયેલ બીજો પ્રોજેક્ટ વાડીનાર ખાતે 1,570 કરોડનો શિપ રિપેર પ્રોજેક્ટ છે,
જે કોચીન શિપયાર્ડ લિમિટેડ અને દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં
આવશે. આ પ્રોજેક્ટને અગાઉ 5 મે 2026ના રોજ આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ પાસેથી મંજૂરી
મળી હતી. હવે શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ પાત્ર મૂડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર
25 ટકા નાણાકીય સહાય માટે સૈદ્ધાંતિક મંજૂરી
મેળવી લીધી છે. આ બ્રાઉનફિલ્ડ વિસ્તરણમાં 650-મીટર લાંબી જેટી, બે મોટા ફ્લાટિંગ ડ્રાય
ડૉક્સ, વર્કશોપ્સ અને સહાયક મરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થશે.
વાડીનારના
કુદરતી ઊંડા ડ્રાફ્ટ, અગ્રણી આંતરરાષ્ટ્રીય શાપિંગ રૂટ પર તેના વ્યૂહાત્મક સ્થાન તેમજ
મુંદ્રા અને દીનદયાલ પોર્ટ જેવા બંદરો સાથેની તેની નિકટતાનો લાભ ઉઠાવીને, આ સુવિધા
ભારતના અગ્રણી શિપ રિપેર હબ પૈકીના એક તરીકે ઉભરી આવે તેવી અપેક્ષા છે. 300 મીટર સુધીની લંબાઈ ધરાવતા જહાજોના સ્થાનિક સ્તરે
સમારકામને સક્ષમ બનાવશે.
સર્બાનંદ
સોનોવાલે કહ્યું કે, બંને પ્રોજેક્ટ્સ ભારતના દરિયાઈ ક્ષેત્રની સ્પર્ધાત્મકતામાં નોંધપાત્ર
વધારો કરશે.
શિપબિલ્ડિંગ
ડેવલપમેન્ટ સ્કીમ એ સરકારના વ્યાપક શિપબિલ્ડિંગ નીતિ માળખાનો એક કેન્દ્રીય સ્તંભ છે
જેનો હેતુ ક્ષમતા નિર્માણને વેગ આપવાનો, રોકાણો આકર્ષવાનો, સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન
આપવાનો અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવાનો છે.