બીજી યુવતી સારવારમાં : જાલેશ્વર દરિયાકાંઠે આવેલા મંદિરે બંન્ને બહેનો દર્શન કરવા ગયા બાદ પરત ફરતા સમયે દુર્ઘટના
વેરાવળ,
તા. 5: વેરાવળના જાલેશ્વર દરિયા કિનારે રવિવારે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં દરિયાના
ધસમસતા પ્રવાહમાં બે યુવતીઓ તણાઈ જતાં સ્થાનિક માછીમારોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.
જો કે, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલી 17 વર્ષની નિકિતા રામભાઈ પંડિતનું સારવાર
દરમ્યાન મૃત્યુ નિપજતાં કોળી સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જ્યારે બીજી યુવતી
હાલ સારવાર હેઠળ છે. વેરાવળના હરસુખ ગોહેલ
પોતાની બે પિતરાઈ બહેનો સાથે જાલેશ્વર દરિયા કિનારે આવેલા રામદેવજી મહારાજના મંદિરે
દર્શન કરવા ગયા હતા. જ્યાં દર્શન કર્યા બાદ ત્રણેય દરિયા કિનારે પહોંચ્યા ત્યારે અચાનક
આવેલા ભારે ધસમસતા વિકરાળ મોજામાં એક યુવતી તણાઈ ગઈ હતી. તેને બચાવવા દોડી ગયેલી બીજી યુવતી પણ દરિયાના પ્રચંડ
પ્રવાહમાં સપડાઈ જતા બૂમાબૂમ કરવા લાગી હતી.
જેથી નજીકમાં હાજર જાલેશ્વરના માછીમાર સમાજના લોકો
તરત જ દરિયામાં કુદી પડયા હતા અને ભારે જહેમત બાદ બંન્ને યુવતીઓને દરીયામાંથી બહાર
કાઢી હોસ્પિટલ પહોંચાડી હતી. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે નિકિતા રામભાઈ પંડિત (ઉ.વ.
17)ને મૃત્યુ પામેલી હોવાનું જાહેર કર્યુ હતુ. જયારે હાલ બીજી યુવતી સારવાર હેઠળ છે.
આ ઘટના
સમયે હાજર હરસુખ ગોહેલે જણાવ્યું હતું કે, રવિવાર હોવાથી તેઓ પરિવાર સાથે દર્શન માટે
આવ્યા હતા. દર્શન બાદ બંન્ને બહેનો દરિયા કિનારે ગઈ હતી ત્યારે અચાનક આવેલા મોજાના
કારણે બંન્ને તણાવા લાગી હતી. તેણે એક બહેનને બચાવવાનો પ્રયાસ કર્યો, જ્યારે બીજી દરિયામાં
તણાઈ ગઈ હતી. ત્યારબાદ સ્થાનિક માછીમારોએ સમયસર બચાવ કામગીરી હાથ ધરી બંન્નેને બહાર
કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
દરિયાકાંઠે ચોમાસાના દિવસોમાં ભારે મોજાં અને તીવ્ર
પ્રવાહને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાં
પણ જોખમી સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠી છે.