પુતિન પછી ઝેલેન્સ્કી સાથે પણ ટ્રમ્પે કરી ચર્ચા : નાટો શિખર પરિષદ પહેલાં સમાધાન માટેના પ્રયાસોને ઝડપી બનાવવા અમેરિકાની તૈયારી
નવીદિલ્હી,
તા.પ : યુક્રેન અને રશિયા વચ્ચે સમય સાથે વધુ ઉગ્ર બની રહેલાં યુદ્ધ મધ્યે અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનનાં વોલોદિમીર
ઝેલેન્સ્કી સાથે ફોન ઉપર અલગ-અલગ વાત કરી હતી. કહેવાય છે કે, આમાં અમેરિકાએ આ યુદ્ધને
અટકાવવાના પ્રયાસોમાં ગતિ લાવવા ઉપર જોર રાખ્યું હતું. ટ્રમ્પ અને પુતિન વચ્ચે આશરે
90 મિનિટ જેટલી વાતચીત ચાલી હતી અને પુતિને ટ્રમ્પને રશિયાની યાત્રાનું આમંત્રણ પણ
આપ્યું હોવાનું કહેવાય છે.
ક્રેમલિનનાં
વિદેશનીતિ સલાહકાર યુરી ઉશાકોવે જણાવ્યું હતું કે, બન્ને નેતાઓ વચ્ચે યુક્રેન સમજૂતી
માટે ચર્ચા કરવામાં આવી હતી અને તેમાં 7-8 જુલાઈએ તુર્કીમાં યોજાનાર નાટો શિખર સંમેલનને
પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. ટ્રમ્પે વાતચીતમાં શત્રુતા શીઘ્ર સમાપ્ત કરવા અને
સમાધાન માટે તત્પરતા બતાવી હતી. બીજીબાજુ પુતિને ટ્રમ્પને યુદ્ધની નવીનતમ સ્થિતિથી
અવગત કર્યા હતાં. ત્યારબાદ ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે પણ ફોનમાં વાત કરી હતી અને બન્ને
વચ્ચે યુદ્ધની રાજકીય સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ટ્રમ્પે યુદ્ધ સમાપ્તી માટે મહત્ત્વની
ભૂમિકા નિભાવવાની તૈયારી દેખાડી હતી.
ટ્રમ્પે
સંકેત આપ્યા હતા કે અમેરિકાના દૂત સ્ટિવ વિટકોફ અને જેરેડ કુશનર મોસ્કો અને કીવ વચ્ચે
સમાધાન કરાવવા માટે મધ્યસ્થતાના પ્રયાસો વેગીલા બનાવશે. જેમાં જરૂર પડયે અમેરિકાના
દૂતો મોસ્કોની યાત્રા પણ કરી શકે છે.