દબાણકારોને
છાવરતા હોવાનો આક્ષેપ : હાઈ કોર્ટમાં જવાની અને આંદોલનની ચીમકી
મોરબી,
તા.2: મોરબીમાં નાની કેનાલ રોડને આઈકોનિક રોડ તરીકે વિકસાવવાની કામગીરી ચાલી રહી છે
પરંતુ આ કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ અને દબાણકારોને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ
સાથે સ્થાનિક લોકોએ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાનિક કોર્પોરેટર અને પાલિકાના અધિકારીઓને
સ્થળ પર બોલાવીને રોડનું કામ બંધ કરાવી દીધું છે.
આ મોરબીનો
પ્રથમ આઈકોનિક રોડ બની રહ્યો છે. જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ હતો. લોકોએ જાતે જ
સ્વયંભૂ પોતાના દબાણો દૂર કરી દીધા હતા પરંતુ હવે તંત્ર દ્વારા જ યોગ્ય કામગીરી ન કરી
અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેવું સ્થાનિક રહેવાસી મુકેશ સોઢિયાએ જણાવ્યું હતું.
સિંચાઈ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને આ રોડ માટે 20 મીટર જગ્યા સંપાદિત કરીને આપવામાં
આવી છે. જે ટેન્ડર પાસ થયું છે તે મુજબ 7-7 મીટરના બે રોડ, 2 મીટરનું ડિવાઇડર અને બંને
બાજુ 2-2 મીટરની ફૂટપાથ બનાવવાનું આયોજન હતું. પરંતુ હાલમાં માત્ર 18 મીટરનો જ કરવામાં
આવી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, સરકારી જમીન પર થયેલા દબાણો દુર કરાયા નથી.
રજૂઆતને પગલે સ્થળ પર દોડી આવેલા મેયર અને અધિકારીઓએ માત્ર જોઈ લઈશું, કાગળો તપાસી
લઈશું તેવો જવાબ આપતા રોષે ભરાયેલા લોકોએ આંદોલનની ચીમકી સાથે તંત્રને 20 દિવસનું આખરી
અલ્ટીમેટમ આપ્યું છે. તેમની સ્પષ્ટ માંગ છે કે, 20 દિવસમાં કામ બંધ રાખી, યોગ્ય ડિમોલિશન
કરી, પૂરેપૂરો 20 મીટરનો રોડ બનાવવામાં આવે. જો આમ નહીં થાય તો સ્થાનિકો દ્વારા હાઈકોર્ટમાં
પિટિશન દાખલ કરી ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.