• શનિવાર, 04 જુલાઈ, 2026

ખેતરોમાં વીજ ટાવર-લાઇન વળતર હવે બજાર ભાવના બમણા દરે ચૂકવાશે જેતપર ખેડૂત આંદોલનની સફળતા

100 ટકા એડવાન્સ ચુકવણી થશે, ટાવર બેઝ વિસ્તારની ગણતરીમાં પણ વધારો કરાયો

માર્કેટ રેટ કમિટીથી પારદર્શક ભાવ નક્કી થશે

મોરબી, અમદાવાદ, તા.3 : ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ ટાવર લાઇન માટેની વળતર નીતિના વિરોધમાં મોરબીના જેતપરમાં લાંબા સમયથી ખેડૂતોનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું. જેને સફળતા મળી હોય તેમ ગુજરાત સરકારે વળતર નીતિમાં મોટો અને ઐતિહાસિક બદલાવ કર્યો છે. હવે જમીન માલિકોને જૂની જંત્રીના બદલે જમીનની વાસ્તવિક બજાર કિંમતના બમણા દરે (200%) વળતર આપવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોને વધુ ન્યાયસંગત અને ઝડપી વળતર મળશે.

અત્યાર સુધી ફાઉન્ડેશન સમયે 40 ટકા, ટાવર ઊભું કરતી વખતે 40 ટકા અને વાયારિંગ બાદ 20 ટકા એમ ત્રણ ત્રણ તબક્કામાં વળતર ચૂકવાતું હતું. નવી વ્યવસ્થામાં આ આખી   પ્રક્રિયા સમાપ્ત કરી દેવામાં આવી છે. હવે પ્રોજેક્ટની શરૂઆતમાં જ ખેડૂતોને સંપૂર્ણ 100 ટકા વળતર એડવાન્સમાં ચૂકવાશે. સરકારે ટાવરના બેઝ વિસ્તારના માપદંડમાં પણ સુધારો કર્યો છે. હવે ચારેય બાજુ વધારાના 1 મીટરની જગ્યા ગણવામાં આવશે. ઉદાહરણ તરીકે 765 કે.વી. લાઇન માટે અગાઉ 625 ચો.મી. ગણાતું વળતર હવે 729 ચો.મી. સુધી વધશે, જેથી ખેડૂતોને વધુ રકમ મળશે.

જમીનની સાચી બજાર કિંમત નક્કી કરવા માટે કલેક્ટર, ટ્રાન્સમિશન કંપની અને ખેડૂતોના પ્રતિનિધિઓની ‘માર્કેટ રેટ કમિટી’ બનાવાશે. આ કમિટી દ્વારા પારદર્શક રીતે દર નક્કી થશે જેથી કોઈ અન્યાય ન થાય. જે ખેડૂતોને અગાઉ વળતર મળ્યું છે પરંતુ કામ ચાલુ છે, તેમને પણ નવા નિયમ મુજબ વધારાનું વળતર મળશે. સરકારનો દાવો છે કે આ નિર્ણય ખેડૂતોના હિતમાં મોટો ફેરફાર લાવશે અને લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો અંત આવશે.

 રાઇટ ઓફ વે કોરિડોર માટે વળતરની ટકાવારી

વીજ લાઇનના રાઇટ ઓફ વે કોરિડોર (વીજ લાઇન પસાર થવાના વિસ્તાર) માટે એમ.આર.સી દ્વારા નિર્ધારીત થયેલી બજાર કિંમતના આધારે વિસ્તાર મુજબ વળતર અપાશે. ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30 ટકા, નગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 45 ટકા, મહાનગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 60 ટકા મુજબ ચુકવણી થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક