• ગુરુવાર, 02 જુલાઈ, 2026

UPSCના ઉમેદવારોને ગુજરાત સરકાર આપશે રૂ.4 હજાર સ્ટાઇપન્ડ

પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ. 35,000 અને યુવતીઓને રૂ. 50,000ની સહાય

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 1:  ગુજરાત સરકાર દ્વારા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ અને તેના પ્રાદેશિક તાલીમ કેન્દ્રોમાં પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારને દર મહિને રૂ. 4,000નું સ્ટાઈપન્ડ આપવામાં આવશે. આ સહાય વધુમાં વધુ સાત મહિના અથવા યુપીએસસી પ્રિલિમ પરીક્ષા યોજાય ત્યાં સુધી મળશે.

ઉપરાંત પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ. 35,000 અને યુવતીઓને રૂ. 50,000ની સહાય આપવામાં આવશે. જોકે, સ્પીપાના વિદ્યાર્થીઓને અગાઉ ચૂકવાયેલા સ્ટાઈપન્ડની રકમ બાદ કરીને બાકીની સહાય ચૂકવાશે. મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ. 45,000 અને યુવતીઓને રૂ. 55,000ની પ્રોત્સાહન રકમ મળશે. સામાન્ય વહીવટ વિભાગે આ અંગેનો સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે.

જ્યારે સિવીલ સર્વિસીઝની આખરી પસંદગીમાં સ્થાન મેળવનાર ગુજરાતના યુવકોને 75,000 અને યુવતીઓને રૂ. 1 લાખની સહાય આપવામાં આવશે. આ રીતે સમગ્ર પ્રક્રિયામાં સફળ યુવકને કુલ રૂ. 1.55 લાખ અને યુવતીને રૂ. 2.05 લાખ સુધીની સહાય પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં અભ્યાસ અથવા નોકરી કરતા બિન-ડોમિસાઇલ ઉમેદવારો માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. સ્પીપાના પર્સનાલિટી ટેસ્ટ તાલીમ વર્ગમાં જોડાયેલા આવા ઉમેદવારોની આખરી પસંદગી થાય તો યુવકોને રૂ. 25,000 અને યુવતીઓને રૂ. 35,000ની પ્રોત્સાહક સહાય મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક