ક્રૂ
મેમ્બરના શ્વાસ અધ્ધર થઈ ગયા : એર ઈન્ડિયા અને ઈન્ડિગો વચ્ચે દુર્ઘટના ટળી
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 25: અમદાવાદ એરપોર્ટ પર એવિએશન સેફ્ટી
મુદ્દે અત્યંત ગંભીર બેદરકારી સામે આવી છે. એરપોર્ટના સિંગલ રનવે પર ટેક-ઓફ અને લેન્ડિંગની
વ્યસ્ત પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે જ એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સના બે વિમાનો
એક જ રનવે પર બિલકુલ સામસામે આવી ગયા હતા. આ અણધારી આફતના કારણે એરપોર્ટ કંટ્રોલ રૂમ
અને બંને વિમાનના કોકપીટમાં બેઠેલા ક્રૂ મેમ્બર્સના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ડિગોની ફ્લાઇટ
રનવે પર પોતાની નિયત પ્રક્રિયામાં હતી, તે જ સમયે એર ઇન્ડિયાની ફ્લાઇટને એપ્રન તરફથી
રનવે પર આવવા માટે ગ્રાઉન્ડ સિગ્નલ અપાયું હતું. જોકે, એર ઇન્ડિયાના પાઇલટે સિગ્નલ
અને માર્કિંગ સમજવામાં થાપ ખાધી હતી અને વિમાનને નિર્ધારિત રૂટના બદલે ખોટો વળાંક આપીને
સીધું સામેથી આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટની લાઈનમાં લાવી દીધું હતું. બંને પ્લેનની સ્પીડ
કંટ્રોલમાં હોવાથી અને તેમની વચ્ચે આશરે 200 મીટરનું અંતર બાકી હતું ત્યારે જ જમીન
પર હાજર એન્જિનિયરો અને રડાર મોનિટારિંગ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી. અને વિમાન દુર્ઘટના
સ્હેજમાં ટળી હતી.