નવા
કપ્તાન શ્રેયસ અય્યર કરતા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની વધુ ચર્ચા : મેચ સાંજે 6-00 વાગ્યાથી
શરૂ થશે
બેલફાસ્ટ,
તા.2પ: ટી-20 વિશ્વ કપ-2026ના સફળ અભિયાન બાદ ટીમ ઇન્ડિયા હવે આયરલેન્ડ વિરુદ્ધ બે
મેચની શ્રેણી રમવા શુક્રવારથી મેદાનમાં ઉતરશે. આ શ્રેણી સાથે શ્રેયસ અય્યરના નેતૃત્વમાં
ભારતીય ટીમ નવા અધ્યાયની શરૂઆત કરશે. જો કે કપ્તાની કરતા વધુ ચર્ચા 1પ વર્ષીય વન્ડર
બોય વૈભવ સૂર્યવંશીના ઇન્ટરનેશનલ ડેબ્યૂની છે. તેને ભારતીય ઇલેવનમાં જગ્યા મળવાની પ્રબળ
સંભાવના છે. આ સાથે જ વૈભવ નવો રેકોર્ડ બનાવી શકે છે. તે ભારત તરફથી સૌથી નાની ઉંમરે
ઇન્ટરનેશનલ મેચ રમશે અને મહાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે. આયરલેન્ડ સામેનો
બીજો મેચ રવિવારે રમાશે. બન્ને મેચના સમયમાં ફેરફાર થયા છે અને હવે ભારતીય સમય અનુસાર
સાંજે 6-00 વાગ્યાથી શરૂ થશે. મેચનું જીવંત પ્રસારણ સોની સ્પોર્ટસ નેટવર્ક અને સોની
લિવ એપ પરથી થશે.
વૈભવને
ઈલેવનમાં સામેલ કરવો ટીમ મેનેજમેન્ટ માટે આસાન ફેંસલો નહીં હોય, કારણ કે પહેલેથી જ
ભારતીય ટીમ પાસે અભિષેક શર્મા અને સંજૂ સેમસનના રૂપમાં સફળ ઓપનિંગ જોડી છે. વૈભવનો
સમાવેશ કરવા માટે બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કરવો પડશે. ટીમમાં ઇશાન કિશન પણ હાજર છે.
ચાર નંબર પર નવો કપ્તાન શ્રેયસ અય્યર ફિકસ છે. એવામાં અભિષેક, સેમસન અને ઇશાનમાંથી
કોઇ એકની બાદબાકી થાય તો જ વૈભવની ઈલેવનમાં જગ્યા બની શકે છે. આ સ્થિતિમાં કદાચ પહેલા
મેચમાં ઇશાનને વિશ્રામ મળી શકે છે જ્યારે સેમસન વનડાઉનમાં આવી શકે છે. નવો ઉપકપ્તાન
તિલક વર્મા પાંચ નંબર પર હશે.
ઓલરાઉન્ડરની
ભૂમિકા માટે ચાર ખેલાડી રેસમાં છે. જેમાં અક્ષર પટેલ, શિવમ દૂબે, વોશિંગ્ટન સુંદર અને
નવોદિત સૂર્યાંશ શેડગે છે. આ ચારમાં કોઇ બે ખેલાડીને તક મળી શકે છે. આયરલેન્ડ ટીમની
કપ્તાની વિકેટકીપર લોર્કન ટકર સંભાળવાનો છે. આયરલેન્ડની નજર વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને
આંચકો આપવા પર રહેશે.