સામાજિક
વિજ્ઞાન વિષયમાં સામેલ કરાયું પ્રકરણ; ચૂંટણીપંચની પ્રશંસા પણ કરાઈ
નવી
દિલ્હી, તા. 25 : રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (એનસીઈઆરટી) દ્વારા પહેલીવાર
નવમા ધોરણનાં સામાજિક વિજ્ઞાનનાં પુસ્તકમાં 1975થી 1977ના કટોકટીના સમયગાળાને સામેલ
કરાયો છે. નવાં પુસ્તક ‘અંડરસ્ટેંડિંગ સોસાયટી : ઈન્ડિયા એન્ડ બિયોન્ડ’માં કટોકટીને
ભારતીય લોકતંત્ર સામે આવેલા સૌથી મોટા પડકારોમાંની એક લેખાવાઈ છે. એનસીઈઆરટીના એક અધિકારીએ
આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, આ જ પુસ્તકનાં એક પ્રકરણમાં ચૂંટણીપંચની પ્રશંસા
પણ કરાઈ છે.
પુસ્તકમાં
લખાયું છે કે, ઈન્દિરા ગાંધીની સરકાર સામે 1970ના દાયકાની શરૂઆતથી જ લોકોમાં નારાજગી
વધી હતી. બેરોજગારી, મોંઘવારી અને કુશાસનના આરોપો સાથે અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શનો
થય. ત્યારબાદ, 1975માં આંતરિક અશાંતિના આધાર પર રાષ્ટ્રીય કટોકટી લાગુ કરાઈ હતી.
એ સમયગાળામાં
અનેક રાજકીય નેતાઓ, કાર્યકરોની ધરપકડ કરાઈ, લોકતાંત્રિક સંસ્થાઓ પર દબાણ વધ્યું, લોકોની
આઝાદી સીમિત થઈ ગઈ, તેવું પુસ્તકમાં લખાયું છે. પુસ્તક મુજબ, 1977માં કટોકટી ખતમ થયા
બાદ સામાન્ય ચૂંટણી થઈ. મતદાન મારફતે જનતાએ જવાબ આપ્યો, સત્તારૂઢ સરકાર હારી. ભારતીય
લોકતંત્રની એ મજબૂતી હતી.
કર્ણાટક
: ધો. 6નાં પુસ્તકમાં માંસાહાર સામેલ ન થતાં વિરોધ !
બેંગલોર,
તા. 25 : એનસીઈઆરટીનાં છઠ્ઠાં ધોરણનાં ત્રીજી ભાષા તરીકે કન્નડનાં પુસ્તક ‘કૃષ્ણ’ પર
કર્ણાટકમાં વિવાદ સર્જાયો છે. શિક્ષણવિદો, લેખકો અને સામાજિક કાર્યકરોએ પુસ્તક પર ‘ભગવાકરણ’નો
આરોપ મૂક્યો છે. આ પુસ્તકમાં ધર્મ, પૌરાણિકતા, શાકાહારને ઉત્તેજન આપવાનો આરોપ છે. કાર્યકરોએ
કહ્યું હતું કે, પુસ્તકનું નામ કોઈ ધાર્મિક પ્રતીક પર હોવું ન જોઈએ. શિક્ષણવિદોએ આક્ષેપ
કર્યા?હતો કે, ભારતીય જ્ઞાન પરંપરાનાં નામ પર શિક્ષણનું ભગવાકરણ કરાઈ રહ્યું છે. ઉપરાંત,
‘હેલ્થ ઈઝ વેલ્થ’ પ્રકરણમાં દૂધ, ફળો, શાકભાજી, સૂકામેવાનો ઉલ્લેખ છે. ઈંડાં, માછલી,
માંસને સામેલ નહીં કરવા સામે પણ વિરોધ ઊઠયો છે.