• શુક્રવાર, 26 જૂન, 2026

પાસપોર્ટ બનાવવો થયો મોંઘો

ફીમાં વધારો: 1500નાં બદલે 2500 ચૂકવવા પડશે

નવી દિલ્હી, તા.2પ: પાસપોર્ટ બનાવવાનો વિચાર કરતા લોકોને થોડો ઝટકો લાગે તેવા સમાચાર છે. પાસપોર્ટ માટેની અરજી ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત, જો કોઈને પાસપોર્ટનું પુન: જારીકરણ (રી-ઈશ્યુ) કરાવવું હોય તો તેની ફી પણ વધારી દેવામાં આવી છે.

વિદેશ મંત્રાલયે પાસપોર્ટ ફીમાં વધારાની માહિતી આપતાં જણાવ્યું છે કે, પાસપોર્ટ અધિનિયમ, 1967ની કલમ 24 હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને સરકારે પાસપોર્ટ નિયમોમાં ફેરફાર કર્યો છે. જે મુજબ સરકારે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના અરજદારો માટે 36 પાનાંના પાસપોર્ટની ફી 2,500 રૂપિયા નક્કી કરી છે. જ્યારે 15 થી 18 વર્ષની ઉંમરના એવા અરજદારો કે જેઓ પાસે પહેલેથી  પાસપોર્ટ છે પરંતુ તેને ફરીથી જારી કરાવવા માંગે છે, તેમના માટે પણ સામાન્ય શ્રેણીમાં 2,500 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ 36 પાનાંના પાસપોર્ટ માટે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને માત્ર 1,500 ફી ચૂકવવી પડતી હતી, જ્યારે 18 વર્ષથી ઓછી ઉંમરના અરજદારો માટે ફી માત્ર 1,000 રૂપિયા હતી. ઉપરાંત, 8 વર્ષથી નાના બાળકો માટે પાસપોર્ટ બનાવડાવવા પર 10% છૂટ પણ મળતી હતી. જ્યારે 60 પાનાંના પાસપોર્ટ માટે અરજી કરનાર વ્યક્તિએ હવે 3,500 રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે, અને તાત્કાલિક સેવા માટેની ફી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી છે.

સરકારનાં જાહેરનામા અનુસાર  હવે પાસપોર્ટ ગુમ થઈ જાય અથવા ખરાબ થઈ જાય તો તેને બદલાવવા માટેની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

36 પાનાંના પાસપોર્ટના રિપ્લેસમેન્ટ માટે સામાન્ય શ્રેણીમાં 5,000 રૂપિયા, તાત્કાલિક શ્રેણીમાં 7,500, 60 પાનાંના પાસપોર્ટના રિપ્લેસમેન્ટ માટે સામાન્ય શ્રેણીમાં 6,000, તાત્કાલિક શ્રેણીમાં 8,500 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે સગીર અરજદારો માટે સરકારે જણાવ્યું છે કે, 36 પાનાંના પાસપોર્ટ માટે અરજીમાં સામાન્ય શ્રેણી માટે 1,750, તત્કાલ શ્રેણી માટે 4,250, પાસપોર્ટ ગુમ થઈ જાય અથવા ખરાબ થઈ જાય અને પુન: જારી કરાવવો હોય તો સામાન્ય અરજીમાં 4,250 અને તાત્કાલિક અરજીમાં 6,750 રૂપિયા થશે.

ઇ-પેપરના નવા શુલ્ક