રાજ્યના
મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય, પ્રતિ રાનિંગ મીટરનો દર રૂ. 200થી વધારીને રૂ. 300 કરાયો
: માત્ર એક હેક્ટર જમીન ધરાવતા ખેડૂતો પણ યોજનાનો લાભ મેળવી શકશે
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.27 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી
મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને
અટકાવવા માટે કાંટાળી તારની વાડની યોજના એટલે કે તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં સુધારા
કરવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ તાર ફેન્સિગ માટે ખેડૂતોને પ્રતિ રાનિંગ મીટર રૂ.
200 અથવા ખર્ચના 50%, બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવતી હતી. હાલમાં માલ-મટીરીયલ્સના
બજાર ભાવ અને મજૂરી ખર્ચ વધવાના કારણે સરેરાશ ખર્ચ વધુ થતો હોવાથી, ખેડૂતોનો આર્થિક
બોજ ઘટાડવા માટે સરકારે હવે પ્રતિ રાનિંગ મીટર રૂ. 300 અથવા ખરેખર થનાર ખર્ચના 50%
મુજબ સહાય આપવાનો નિર્ણય કરાયો છે. કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું
હતું કે, અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછી બે હેક્ટર
જમીનનું ક્લસ્ટર હોવું ફરજિયાત હતું પણ ઘણીવાર જૂથના કોઈ ખેડૂત અસહમત થાય ત્યારે બે
હેક્ટરનું ક્લસ્ટર ન જળવાતા નાના ખેડૂતો સહાયથી વંચિત રહી જતા હતો. આવા ખેડૂતોના હિતને
ધ્યાને રાખીને આ મર્યાદા ઘટાડીને હવે માત્ર એક હેક્ટર કરવામાં આવી છે. આઈ-ખેડૂત પોર્ટલ
પર અત્યાર સુધીમાં આ યોજના હેઠળ સહાય મેળવવા માટે અંદાજે એક લાખ ખેડૂતોની અરજીઓ પ્રાપ્ત
થઈ છે. ખેડૂતો જ્યારે ખેતીકામમાં વ્યસ્ત થાય તે પહેલા એટલે કે, ચોમાસા પૂર્વે જ આ તમામ
અરજીઓને તબક્કાવાર નિયમાનુસાર મંજૂરી આપી
દેવામાં આવશે. આ હેતુ માટે રાજ્ય સરકારે રૂ.240 કરોડની ફાળવણી કરી છે. અગાઉ આ યોજના
હેઠળ સહાય મેળવવા માટેની અરજી કરવા પોર્ટલ વર્ષમાં એક જ વાર ખુલ્લું મૂકવામાં આવતું
હતું, પરંતુ ચાલુ વર્ષે મહત્તમ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તે માટે જરૂર પડે બીજી વાર
પણ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. જરૂર પડશે તો રૂ. 240 કરોડ ઉપરાંત પણ વધારાના ભંડોળની
વ્યવસ્થા કરીને ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવશે અને રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ
પૂરું પાડવામાં આવશે.