(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.26 : ગુજરાતમાં શિક્ષણના
ઉત્સવ સમાન ગણાતા ’શાળા પ્રવેશોત્સવ’ની ઘોષણા કરવામાં આવી છે, જે રાજ્યના લાખો બાળકો
માટે શિક્ષણના નવા દ્વાર ખોલશે. શિક્ષણ વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, આગામી 18 જૂનથી
20 જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.
આ વર્ષના પ્રવેશોત્સવમાં રાજ્યના
મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને મંત્રીમંડળના તમામ સભ્યો વિવિધ શાળાઓમાં હાજર રહીને
બાળકોનું સ્વાગત કરશે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના સ્તરને સુધારવા અને વધુમાં વધુ
બાળકો શાળાએ જોડાય તે હેતુથી આ કાર્યક્રમને ખાસ મહત્વ આપવામાં આવે છે. જોકે, વર્તમાન
સ્થિતિ અને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કાર્યક્રમની રૂપરેખામાં નજીવો ફેરફાર
થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ કાર્યક્રમ દ્વારા સરકાર પ્રાથમિક
શિક્ષણના વ્યાપને વધારવા અને બાળકોમાં શિક્ષણ પ્રત્યેની રુચિ કેળવવા માટે પ્રયત્નશીલ
છે. જૂન મહિનાના મધ્યમાં યોજાનારા આ કાર્યક્રમમાં દરેક જિલ્લામાં અધિકારીઓ અને પદાધિકારીઓ
દ્વારા બાળકોને કિટ વિતરણ અને પ્રોત્સાહન આપવામાં આવશે.